વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 31 ફોર્મ ભરાયા : ચકાસણી શરૂ ,
વિસાવદર બેઠકમાં ભાજપ ઉમેદવાર પાસે 31 કરોડની મિલ્કત : કોંગ્રેસના ઉમેદવાર પાસે 26 લાખની સંપત્તિ ,

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પાસે અધધ 31 કરોડની મિલકત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કર્યું.
જેમાં તેઓએ સોગંદનામું કર્યું છે, જેમાં તેમની પાસે કુલ 31.07 કરોડથી વધુની સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે, જયારે તેમના પત્નીના નામે 2.67 કરોડની મિલકત હોવાનું દર્શાવ્યું છે, 2017 ની સરખામણીએ કિરીટ પટેલની સંપત્તિમાં 10 કરોડનો વધારો થયો છે.
તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો, હાલના સમયમાં કિરીટ પટેલ પાસે 12,49,35,846 ની જંગમ મિલકત અને 18,58,59,525 ની સ્થાવર મિલકત છે, જેમાં હાથ ઉપર રોકડા રૂ.9,67,084, એક કરોડની ફિક્સ ડીપોઝીટ બેંકમાં, 6,62,289 ની કીમતનું 187 ગ્રામ સોનું, તેમજ સ્થાવર મિલકતમાં અમદાવાદ, ગાંધીગ્રામ, જૂનાગઢમાં મકાન અને ફ્લેટ અને દુકાનો ધરાવે છે. જયારે તેમના પત્નીના નામે રૂ.69,14,243 ની જંગમ મિલકત અને રૂ.1,98,85,250 ની કીમતની સ્થાવર મિલકત છે.
વર્ષ 2017 માં જયારે કિરીટ પટેલ વિસાવદરમાં ચૂંટણી લડ્યા હતા, તે સમયે તેમની પાસે કુલ રૂ.21,48,32,711 ની કીમતની સંપત્તિ હતી, આજે આઠ વર્ષ પછી તેમની પાસેકુલ રૂ. 31,07,95,371 ની મિલકત ધરાવે છે. તેમજ 2017માં તેમના ઉપર 35,54 લાખની જયારે 2025 માં 45.10 લાખની આર્થિક જવાબદારી છે.
વિસાવદર વિધાનસભા પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિતીન રાણપરીયાએ ઉમેદવારી નોધાવી છે, જેઓ ધોરણ-10 પાસ છે, જયારે વ્યવસાયે ખેતી અને વેપાર કરે છે, તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું જેમાં રજુ કરેલા સોગંદનામાંમાં પોતાની મિલકતની વિગતો જાહેર કરી છે.
જેમાં જણાવ્યું છે કે, તેમની પાસે કુલ 26,80,473 ની મિલકત છે, જેમાં રૂ.11,80,473 ની જંગમ મિલકત, અને 15 લાખની સ્થાવર મિલકત છે, જંગમ મિલકતમાં 70 હજાર રોકડા, એક એકટીવા અને એક કાર ધરાવે છે.
જયારે 3.20 લાખની કીમતનું 40 ગ્રામ સોનું છે, જયારે તેના ઉપર 12.88 લાખની આર્થિક જવાબદારી છે, કારણ કે, તેઓએ 7.98 લાખની એક કાર લોન લીધી છે, અને 4.90 લાખની ગોલ્ડ લોન લીધી છે, જેથી તેમની કુલ સંપત્તિ 26 લાખની સામે 12 લાખ તો લોનના છે, જયારે તેમના પત્ની પાસે 5.20 લાખનું 70 ગ્રામ સોનું ધરાવે છે.