રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસમાં સતત નવા કેસ મળતા રહ્યા છે. ચાર-ચાર કેસ આવ્યા બાદ ગઇકાલે નવા 9 કેસ આવતા આજે મનપા આરોગ્ય વિભાગે તેની નોંધ કરી હતી.
રામકૃષ્ણનગર, મોટા મવા સહિતના પોશ એરીયામાં મળતા નવા દર્દી : માત્ર બેની ટ્રાવેલ હિસ્ટ્રી મળી : તમામે વેકસીન લીધી છે : ડરવાની જરૂર નથી પણ લક્ષણો હોય તો માસ્ક પહેરવા અનુરોધ

રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસમાં સતત નવા કેસ મળતા રહ્યા છે. ત્રણ દિવસ સુધી રોજ ચાર-ચાર કેસ આવ્યા બાદ ગઇકાલે નવા 9 કેસ આવતા આજે મનપા આરોગ્ય વિભાગે તેની નોંધ કરી હતી.
વધુ વોર્ડ અને વિસ્તારમાં આ સંક્રમણ પ્રસર્યુ છે અને 9 પૈકી માત્ર બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. અમીન માર્ગ, શ્રોફ રોડ, રામકૃષ્ણનગર, રેસકોર્સ સહિતના પોશ એરીયામાં નવા કેસ બહાર આવ્યા છે. આ તમામ વ્યકિતએ વેકસીનના બે થી ત્રણ ડોઝ લીધેલા છે.
રાજકોટ શહેરમાં તા.19-5થી આજ સુધીમાં કોરોનાના કુલ 61 કેસ નોંધાયા છે. આ પૈકી 18 દર્દી હોમ આઇસોલેશનમાં જ સ્વસ્થ બની ગયા છે. તો 43 દર્દી ઘરે સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
ગઇકાલે નોંધાયેલા વોર્ડ નં.7ના કેસમાં રેસકોર્સ નજીક રહેતા 26 વર્ષના પુરૂષ અને રામકૃષ્ણનગરમાં રહેતા 79 વર્ષના વૃધ્ધને સંક્રમણ થયું છે. વોર્ડ નં.1માં રૈયા રોડ નજીક રહેતા 26 વર્ષના મહિલા, વોર્ડ નં. 2માં શ્રોફ રોડ પર રહેતા 19 વર્ષના યુવાન, વોર્ડ નં.8માં અમીન માર્ગ પર રહેતા 57 વર્ષના પુરૂષને કોરોના સંક્રમણ થયું છે. વોર્ડ નં.9ના રૈયા રોડ પર રહેતા 28 વર્ષના પુરૂષ, વોર્ડ નં.13માં વડલી ચોકમાં રહેતા 28 વર્ષના પુરૂષને ચેપ લાગ્યો છે. આ કોઇ દર્દી બહારગામ ગયા ન હતા.
બે કેસ બહારગામથી પરત ફરેલા લોકોના જાહેર થયા છે. વોર્ડ નં.11ના મોટા મવા વિસ્તારમાં રહેતા પર વર્ષના પુરૂષ અને વોર્ડ નં.14માં ઢેબર રોડ વિસ્તારમાં રહેતા 40 વર્ષના પુરૂષને પણ પોઝીટીવ નિદાન થતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. આ બંને દર્દી તાજેતરમાં જ અન્ય શહેરમાં જઇને પરત આવ્યા હતા.
આ તમામ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સ અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી કરી હતી. કોઇ દર્દીને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી નથી. તા. 19-5થી આજ સુધીમાં રાજકોટમાં કુલ 61 દર્દી નોંધાયા છે. તેમાંથી 18 દર્દી ઘરે જ કોરોના મુકત પણ થઇ ગયા છે અને 43 દર્દી સારવાર હેઠળ છે.
ઓમીક્રોનના આ પેટા વેરીઅન્ટમાં હળવો તાવ અને શરદી-ખાંસી થાય છે. લોકોને ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવા અપીલ કરાઇ છે. આ ટ્રેન્ડથી ગભરાવવાની જરૂર નથી પરંતુ આવા લક્ષણોવાળા લોકોએ જાહેરમાં માસ્ક પહેરવા, સેનીટાઇઝરનો ઉપયોગ કરવા રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કોરોનાના નવા 9 કેસની વિગત
– વોર્ડ નં.7, રેસકોર્સ નજીક, પુરૂષ 26 વર્ષ
– વોર્ડ નં.1, રૈયા રોડ, મહિલા 28 વર્ષ
– વોર્ડ નં.13, વડલી ચોક, પુરૂષ 28 વર્ષ
– વોર્ડ નં.7, રામકૃષ્ણનગર, પુરૂષ 79 વર્ષ
– વોર્ડ નં.11, મોટામવા, પુરૂષ 52 વર્ષ
– વોર્ડ નં.9, રૈયા રોડ, પુરૂષ 28 વર્ષ
– વોર્ડ નં.2, શ્રોફ રોડ, પુરૂષ 19 વર્ષ
– વોર્ડ નં.14, ઢેબર રોડ, પુરૂષ 40 વર્ષ
– વોર્ડ નં.8, અમીન માર્ગ, પુરૂષ 57 વર્ષ