રાહુલ ગાંધીએ ફરી એક વખત પ્રહાર કરતા જણાવ્યું કે ટ્રમ્પનો એક ફોન આવ્યો અને મોદી શરણે થઈ ગયા ,
ભાજપે વળતો પ્રહાર કર્યો રાહુલના વિધાનો પર પાકિસ્તાનમાં જ તાળીઓ પડે છે: વિવેક ચુકાયો

ઓપરેશન સિંદુર મુદે સરકારને સતત ઘેરી રહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત પ્રહાર કરતા જણાવ્યું કે પાક સામેની લશ્કરી કાર્યવાહી કેમ પડતી મુકી તેનું રહસ્ય જગજાહેર છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એક ફોન આવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરણે થઈ ગયા હતા.
તેઓએ વધુ આકરો પ્રહાર કરતા કહ્યું કે ભાજપ- આરએસએનું ચરીત્ર આ જ છે અને તે ઈતિહાસ પણ સાક્ષી પુરે છે. રાહુલે આ સાથે ઈન્દીરા ગાંધી સહિતના શાસનને યાદ કરતા કહ્યું કે કોંગ્રેસના બબ્બર વાઘ અને વાઘણનો સુપર પાવર સામે પણ લડતા હતા.
કદી ઝુકતા ન હતા. રાહુલે એ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ વડામથક ઈન્દીરા ગાંધીને પુષ્પાંજલી આપી હતી. તેઓએ મધ્યપ્રદેશમાં સંગઠન સૃજન અભિયાન શરૂ કર્યુ છે અને છ કલાકમાં ચાર બેઠકો લીધી હતી. તા.11 જૂન સુધી તેઓ આ અભિયાન ચલાવશે.
બીજી તરફ ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમને પાકિસ્તાનનો પ્રોપેગંડા આગળ ધપાવવાનો આરોપ મુકયો હતો. ભાજપના પ્રવકતા શેહઝાદ પુનાવાલાએ કોંગ્રેસના નેતાને તેનાજ પક્ષના સાંસદ શશી થરૂર જે કહે છે તે સાંભળવા જણાવ્યુ હતું.
તેઓએ જણાવ્યુ કે પાકિસ્તાન પણ જે વાત કહેતુ નથી તે રાહુલ ગાંધી કહે છે. પાક પણ સ્વીકારે છે કે ઓપરેશન સિંદુર સમયે તેણે (પાકે) ભારતના હાથે માર ખાધો છે. ભાજપના અન્ય એક પ્રવકતા સંબીત પાત્રાએ રાહુલના ભાષણ પર પાકિસ્તાનમાં તાળીઓ પડે છે.
રાહુલ ગાંધીએ ભોપાલમાં કોંગ્રેસ ભવનમાં પુર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધીને શ્રદ્ધાંજલી વાળી તે સમયે સ્વ.ગાંધીની તસ્વીર પાસે તેઓ જૂતા પહેરીને પહોંચતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાહુલ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને ભારતની સંસ્કૃતિની પણ ખબર નથી કે કોઈની તસ્વીરને પુષ્પાંજલી આપીએ તો બુટ ઉતારવા જોઈએ.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન રાહુલ ગાંધીએ ફરી પક્ષમાં રેસના ઘોડા અને બારાતના ઘોડા સાથે હવે લંગડા ઘોડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું કે ત્રણ પ્રકારના છોડા હોય છે એક રેસનો, બીજો લગ્નની જાનનો અને ત્રીજો લંગડા ઘોડા હોય છે. આપણે આ ઘોડાઓ વચ્ચે ફર્ક સમજવો જોઈએ. આપણે રેસવાળા ઘોડાની જરૂર છે.
બારાત વાળા ઘોડાને બારાતમાં મોકલી દેવા જોઈએ અને લંગડા ઘોડાને બહાર કરી દેવા જોઈએ. આમ રાહુલે હવે કોંગ્રેસમાં લંગડા ઘોડા છે તે પણ કહ્યું હતું. તેઓએ કહ્યું કે કયારેક પક્ષના નેતાઓ હતાશામાં વિધાનો કરે છે. કારણ કે ભાજપના કહેવાથી કંઈપણ બોલે છે.