મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુલ રૂ.557.18 કરોડના વિવિધ વિભાગના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા રાજકોટ શહેર સુરતની જેમ ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવાશે ,
રાજકોટ શહેર જિલ્લાના 557.18 કરોડના વિવિધ વિકાસ કામોનું ભૂમિપૂજન - લોકાર્પણ કરતા મુખ્યમંત્રી : વર્લ્ડ કલાસ સીટીઝના નિર્માણ થશે : નવી સુવિધાથી નાગરિકોના ‘ઇઝ ઓફ લીવીંગ’માં વધારો થવા આશા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુલ રૂ.557.18 કરોડના વિવિધ વિભાગના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. ગઇકાલે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ.5.90 કરોડના ખર્ચે રેસકોર્ષ સંકુલમાં નવનિર્મિત ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી તેમજ એકઝીબીશન હોલનું લોકાર્પણ તથા રૂ.50.51 કરોડના જુદા જુદા 17 પ્રકલ્પોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવેલ કે, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજકોટ શહેર તથા જિલ્લામાં વિકાસના ખૂબ સારાં કામો થઈ રહ્યા છે. લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા વિકાસના કામો રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોના “ઈઝ ઓફ લિવિંગ”માં વધારો કરશે. છેલ્લા બે દાયકામાં અટલ સરોવર, એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વિવિધ ફ્લાયઓવર સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી રાજકોટની પણ કાયપલટ થઈ છે.
શહેરીજનોની સુખાકારીમાં વધારો થયો છે. રાજકોટમાં નવનિર્માણ પામેલી આર્ટ ગેલેરી સહિતના કરોડોનાં વિકાસ કામો રાજ્ય સરકારની શહેરીજનોની સુખાકારી વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજકોટ ઝોનના ભાવિ વિકાસના આયોજન અંગે તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે સુરતની જેમ રાજ્યમાં છ ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે ખાસ રિજિયોનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.
રાજકોટ ગુજરાતનું એમ.એસ.એમ.ઈ., એન્જિનિયરિંગ, સોના-ચાંદી, જ્વેલરી મેકિંગ સહિતના ક્ષેત્રોમાં હબ તરીકે ઊભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આવા ઉદ્યોગોને વિશ્વ કક્ષાનું માર્કેટ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. રાજકોટને રૂ. 557.18 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે. જેમાં રૂ. 238 કરોડના વિકાસ કાર્યો ઊર્જાક્ષેત્ર સાથે જોડાયેલા હોવાનું તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 24 કલાક વિજળી, સોલાર વીજળી, ગામેગામ પાણી સહિતના કામો નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં લોકો સુધી પહોંચ્યા છે. રાજકોટ જિલ્લાને મળી રહેલા રૂ. 112 કરોડના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જિલ્લાના ઉદ્યોગોને બળ આપશે અને નાગરીકોને પરિવહન માટે ઉત્તમ સુવિધા મળશે. ‘ક્લીન ગુજરાત અને ગ્રીન ગુજરાત’ માટે રાજ્યના શહેરો સ્વચ્છ સાથે પ્લાસ્ટિકમુક્ત બને તે નાગરિકોનું પણ કર્તવ્ય છે. આ તકે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભારતીય સેનાને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
જસદણ
આ અવસરે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, રાજય સરકારે વીજળી, પાણી, રસ્તા સહિત કલા, રમતગમત ક્ષેત્રને પણ વિકાસની યાત્રામાં જોડી ‘વિકાસ ભી, વિરાસત ભી‘ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. ગુજરાત સરકારે જસદણ જેવા છેવાડાના વિસ્તારમાં યુવાનો રમતગમતના સાધનો અને તાલીમ થકી ખેલકૂદ ક્ષેત્રે આગળ વધે તે માટે 8 કરોડના ખર્ચે ઇન્ડોર-આઉટડોર રમત માટે વિશાળ સંકુલ બનાવ્યું છે.
જેમાં એથ્લેટીક્સ, જુડો ,કબડ્ડી, ખો-ખો જેવી રમતો માટેની સુવિધાઓથી જસદણના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળશે. રમતગમતની આ સંસ્કૃતિથી 2030માં કોમનવેલ્થ ગેમ્સ તેમજ 2036માં ઓલમ્પિક રમતો માટે ગુજરાતની યજમાની ઉત્કૃષ્ટ સાબિત થશે.
રાજકોટને પીવાના પાણીનો વધુ પુરવઠો પ્રાપ્ત થાય તે માટે આજે લોકાર્પિત થતી મોવિયા,મચ્છુ-1 અને પડધરી યોજનાઓ દ્વારા ગોંડલ, રાજકોટ, પડધરી, કોટડા સાંગાણી અને લોધીકા વિસ્તારના લાખો લોકોને પ્રતિ વ્યક્તિ સો લીટર પાણી મળશે.
અધ્યક્ષસ્થાનેથી મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે,રાજકોટ શહેરને છ માસ જેટલા સમયગાળામાં કુલ રૂ.1,623 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો જેવા કે, અટલ સ્માર્ટ સિટી, મવડીમાં સ્પોર્ટ્સ સંકુલ, નવી સી.એન.જી. તથા ઇલેક્ટ્રિક બસ, આવાસ યોજના, નવા રિંગ રોડનું નવીનીકરણ, ટી.પી. સ્કીમ, ઓવરબ્રિજ, આરોગ્ય કેન્દ્ર, વોર્ડ ઓફિસ, ડ્રેનેજ નેટવર્ક, પાણીની પાઇપલાઈન, રોડ નેટવર્ક, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન સહિતના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. રાજકોટવાસીઓની પાણીની ચિંતા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ એન્જી. એસોસિએશનને રી-એમ્બેસમેન્ટ પત્ર એનાયત, ગ્રામીણ મિલકતોનો લાભ મેળવેલ લાભાર્થીને પ્રતીકાત્મકરૂપે પ્રોપર્ટી કાર્ડ વિતરણ, નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગતના કુલ 108 શ્રેષ્ઠ સફાઈ કામદાર પૈકી પાંચ શ્રેષ્ઠ સફાઈ કામદારોને રૂ.10,000નો પુરસ્કાર અપાયો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, પડધરી-ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર પ્રમુખ ડો. માધવ દવે, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ ડો. વિક્રાંત પાંડે, કલેકટર પ્રભવ જોષી, કમિશનર તુષાર સુમેરા, નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડાયરેક્ટર કેતન જોષી, ભાજપ પ્રભારી પ્રકાશ સોની, પૂર્વ પ્રમુખ મુકેશ દોશી, હોદ્દેદારો, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા સહિતના હાજર રહ્યા હતા.
નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપતા મુખ્યમંત્રી
નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત ગુજરાતના શહેરો સ્વચ્છ બને તે માટે સ્વચ્છતાની કામગીરીમાં સફાઈ કર્મચારીઓની એક આગવી ભૂમિકા છે. આથી તેઓની કામગીરી પ્રોત્સાહન પૂરું પાડવા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને બિરદાવવામાં આવ્યા હતા.
શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને રૂ. 10,000ની નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવેલ છે. ઓક્ટોબર-2024થી માર્ચ-2025 દરમિયન દરેક 18 વોર્ડમાંથી એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરાતા કરવામાં આવેલ. જે અન્વયે દરેક માસમાં દરેક વોર્ડ દીઠ 1 એટલે કે 18 શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરાતા અને ઓક્ટોબર-2024 થી માર્ચ-2025 દરમિયાન કુલ 108 શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવામાં આવેલ છે.
108 શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને રૂ. 10,000ની નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે. આમ ઓક્ટોબર-2024 થી માર્ચ-2025 દરમિયાન 108 શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને 10,000 લેખે કુલ 10,80,000 નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વોર્ડ નં.પના ચમનભાઈ દાનાભાઈ બારૈયા, વોર્ડ નં.8ના ઉમેશભાઈ દિનેશભાઈ વાઘેલા, વોર્ડ નં.7ના મનીષાબેન કાનાભાઈ ઝાલા, વોર્ડ નં.9ના લક્ષ્મીબેન બાબુભાઈ પરમાર અને વોર્ડ નં.13ના કાન્તાબેન જેન્તીભાઈ વાઘેલાને પુરસ્કાર અપાયા હતા.