ગુજરાત

રાજકોટ શહેરના 20 હજાર સહિત જીલ્લાની 50 હજાર રેશનીંગ કાર્ડ હોલ્ડરો રેશનીંગના પૂરવઠાથી વંચીત રહ્યા ,

જુન માસના પુરવઠા વિતરણની મુદ્દત લંબાવી તા.30 સુધીની કરવા અને પુરક પરમીટ આપવા માંગણી : ફેરપ્રાઈઝ શોપ્સ એસો. દ્વારા જિલ્લા પુરવઠા તંત્રને રજુઆત

પુરવઠા નિગમ રાજકોટ શહેર જીલ્લાના રેશનીંગના દુકાનદારોને સમયસર રેશનીંગનો પુરવઠો પુરો પાડવામાં નિષ્ફળ જતા રાજકોટ શહેર જીલ્લાના અડધા લાખ ગરીબ રેશનકાર્ડ ધારકો ચાલુ જુન માસના રેશનીંગના પુરવઠાથી વંચીત રહેતા હોબાળો મચી જવા પામેલ છે.

આ મામલે રાજકોટ શહેર ફેરપ્રાઈઝ શોપ એસો.ના મહામંત્રી હિતુભા જાડેજાની આગેવાની હેઠળ જીલ્લાના રેશનીંગના દુકાનદારોએ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉમટી પડી જીલ્લા પુરવઠા તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી. જેમાં જુન માસના રેશનીંગના પુરવઠા વિતરણની મુદત લંબાવી તા.30 સુધીની કરી આપવા અને પૂરક પરમીટ આપવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

રાજકોટ શહેર ફેરપ્રાઈઝ શોપ એસો.ના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે પુરવઠા નિગમ દુકાનદારોને સમયસર રેશનીંગનો પુરવઠો પહોંચાડવામાં નિષ્ફળ જતા તેની વિતરણ વ્યવસ્થામાં અવ્યવસ્થાની ભરમાર સર્જાયેલ છે.

રાજકોટ શહેરના 20 હજાર સહિત જીલ્લાની 50 હજાર રેશનીંગ કાર્ડ હોલ્ડરો રેશનીંગના પૂરવઠાથી વંચીત રહ્યા છે. જેના પરિણામે દુકાનદારોને પણ પુરવઠાનું કમીશન ગુમાવવું પડે છે.

સરકારી દ્વારા ગત તા.13મીના રોજ પરિપત્ર કરી મે અને જુન માસનું રેશનીંગના પુરવઠાનું વિતરણ મે માસમાં કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. પરંતુ રાજકોટ જીલ્લા સહિત રાજયના અનેક જીલ્લાઓમાં ગત તા.31 મે સુધી જુન માસનો પુરવઠો રેશનીંગની દુકાનો પર પહોંચાડી શકાયો નથી.

ત્યારબાદ તા.1થી 5 જુન સુધીની જુન માસના પુરવઠાના વિતરણની મુદત પણ લંબાવવામાં આવી હતી. તેમ છતા રાજકોટ શહેરના દુકાનદારોને જૂન માસના વિતરણના છેલ્લા દિવસોમાં જથ્થો મળ્યો ન હોવાના કારણે રેશનકાર્ડ ધારકોને રેશનીંગની દુકાનો પર ધસારો થયો હતો.

પરંતુ ટુંકી મુદતમાં પુરવઠાનું વિતરણ શકય બન્યું નથી જેના કારણે હજારો રેશનકાર્ડ ધારકો રેશનીંગના પુરવઠાથી વંચીત રહ્યા છે જેના પગલે રેશનીંગના ગરીબ કાર્ડ હોલ્ડરોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે આ રોષનો ભોગ રેશનીંગના દુકાનદારોને બનવું પડયું છે.

આ સંજોગોમાં જરૂરીયાતમંદ અને ગરીબ રેશનકાર્ડ ધારકોને રેશનીંગના પુરવઠાથી વંચીત રહેવું ન પડે તે માટે જુન માસના પુરવઠા વિતરણની મુદત લંબાવવામાં આવે.

તા.13 મે બાદ જે રેશનકાર્ડ હોલ્ડરોએ ઈ કેવાયસી કરાવેલ છે તેમને રેશનીંગનો પુરવઠો મળી રહે એ માટે જરૂરીયાત મુજબ દુકાનદારોને પૂરક પરમીટ આપવામાં આવે તેમજ જુન માસના રેશનીંગના પુરવઠાના વિતરણને લંબાવામાં આવે તેવી તેઓએ માંગણી કરી હતી.

આ રજૂઆતમાં માવજીભાઈ રાખસીયા, પરેશભાઈ પતીરા, નિર્મળભાઈ ક્રિપલાણી સહિતના ફેર પ્રાઈઝ એસો.ના હોદેદારો તેમજ જીલ્લાના સસ્તા અનાજના દુકાનદારો જોડાયા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button