વિજયભાઇ લંડનની દુર્ઘટનાગ્રસ્ત ફલાઇટમાં હોવાની વાત પહોંચતા જ પૂરા રાજયમાં ચિંતાનું મોજુ ,
પરિવાર સાથે સમય વિતાવવા લંડન જઇ રહ્યા હતા : ઇજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે લઇ જવાયા

અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત થયેલ વિમાનમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. પંજાબમાં તેઓએ ચૂંટણી ડયુટી પૂરી કરીને તેમના કુટુંબ સાથે જોડાવા લંડન જવાના હતા અને બપોરે 12.10 તેઓએ બોર્ડીંગ કર્યુ હતું.
તેઓની વિમાનમાં સીટ નં.2-ડી ઝોન-1માં હતી. અને તેઓએ પોતાનું સ્થાન સંભાળ્યું હતું. આજે આ વિમાન દુર્ઘટના થતા જ શ્રી રૂપાણીની એર ઈન્ડિયાની આ ટીકીટની કોપી વાયરલ થઈ છે. બપોરે મોડેથી તેમને ઇજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યાનું સુત્રોએ કહ્યું હતું.
આજે સવારે 11.30 કલાકે વિજયભાઇ રૂપાણીના સિકયુરીટી ગાર્ડ મેરાટ દ્વારા તેમને એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. 1ર.30 કલાકે તેમનું બોર્ડીંગ હતું. 2-ડી સીટ પર તેમનું બુકીંગ હતું. તેમના પરિવારજનો અગાઉ જ લંડન પહોંચેલા છે.
આ ઘટનાની જાણ થતા સમગ્ર ગુજરાત અને ખાસ કરીને રાજકોટમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી છે અને તેમની સલામતી માટે પ્રાર્થના પણ થવા લાગી હતી.
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં મુસાફરો સાથે પૂર્વ મુખ્યમંત્રી હોવાની વાતથી પ્રધાનો, ઉચ્ચ અફસરો પણ દોડાદોડીમાં પડી ગયા હતા અને તમામ લોકોને બહાર લાવી સારવાર માટે ખસેડવા પ્રયાસો ચાલુ રાખ્યા છે.