પ્રધાનમંત્રી મોદીએ વિજયભાઈના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે ; વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી.
વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પ્લેન દુર્ઘનટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નિધન થયું છે. વિજયભાઈના નિધનને લઈ સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે. પ્રધાનમંત્રી મોદીએ વિજયભાઈના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી.
પ્રધાનમંત્રી મોદીએ એકસ પર લખ્યું, વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
વધુમાં તેમણે લખ્યું કે, તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
અન્ય એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે, વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં ‘ઈઝ ઑફ લિવિંગ’ એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના…ૐ શાંતિ…!!
દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધીનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવાશે. પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અંતિમ વિધી રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર ઋષભ આવ્યા બાદ નિર્ણય કરાશે. વિજયભાઈના નિધનથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે.