હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6 દિવસ ભારે વરસાદ રહેશે, જયારે આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અસહ્ય ગરમી અને ભારે બફારા બાદ ચોમાસાનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થઈ ગયું છે.

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. પહેલા જ સેશનમાં મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી છે. જેને લીધે સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ બની ગઈ છે. ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. ઘણી જગ્યાઓ પર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે આગામી 6 દિવસ ભારે વરસાદની આગામી સામે આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની ચેતવણી આપીને જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે જ અમદાવાદમાં આજે અતિભારે વરસાદની શક્યતા છે, તો ભરૂચ સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, અરવલ્લી, સુરતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. સાથે જ રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું, “આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ ગુજરાત રાજ્યમાં અગામી 6 દિવસ એટલે કે 23 જુન સુધી વરસાદની આગાહી છે. આવતી કાલ માટે ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 19 જૂન માટે પણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.”
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો, ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં ખાબક્યો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. તો પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે.