સુપ્રીમકોર્ટ નિયુક્ત કમીટીએ કહ્યું જજનું વર્તન અત્યંત શંકાસ્પદ છે જસ્ટીસ વર્માના નિવાસે દોઢ ફુટનો ચલણી નોટોનો અર્ધ બળેલો જથ્થો હતો ,
કુટુંબીજન સિવાય કોઈ જઈ શકે નહી તે સ્થિતિ હતી : 24 કલાક ગાર્ડ તૈનાત હોય છે : ન્યાયમૂર્તિની મુશ્કેલી વધી

દિલ્હી-રાજકોટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના નિવાસે લાગેલી આગ તથા તેમાં જે રીતે જંગી રકમની રોકડ અર્ધબળેલી હાલતમાં મળી તે અંગે સુપ્રીમકોર્ટ નિયુક્ત ઉચ્ચ સ્તરીય કમીટીએ જસ્ટીસ વર્માની જવાબદારી નકકી કરી છે અને જણાવ્યું કે અડધી બળેલી નોટો અત્યંત શંકાસ્પદ સ્થિતિ બતાવે છે.
સુપ્રીમકોર્ટ નિયુક્ત કમીટીમાં જસ્ટીસ વર્માનું આચરણ અત્યંત અસ્વાભાવિક અને શંકાસ્પદ ગણાવ્યું છે. સુપ્રીમકોર્ટ નિયુક્ત ત્રણ સભ્યોની કમીટીએ તેના રિપોર્ટમાં આ બળેલી નોટો લેનાર 10 વ્યક્તિઓની ઓળખ પણ પ્રથમ વખત જાહેર કરી છે.
જેમાં ફાયરબ્રિગેડના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે અને તેઓએ દર્શાવ્યું કે ચલણી નોટોનો ઢગલો લગભગ 1.5 ફુટ ઉંચો અને તે રૂા.500ની નોટો હતી. આ રૂમમાં ફકત જસ્ટીસ વર્માના ઘરના લોકો જ જોઈ શકતા હતા.
64 પાનાના રિપોર્ટમાં જણાવાયુ છે કે એ સ્થળને આ પ્રકારે શંકાસ્પદ સ્થિતિથી દુર રાખવુ એ જે તે વ્યક્તિની જવાબદારી છે. તા.4ના રોજ સુપ્રત થયેલા રિપોર્ટમાં જણાવ્યુ કે કોઈ નાના ચલણની નોટો ન હતી અને જે સ્થાને હતી તે જસ્ટીસ વર્મા કે તેના ઘરના લોકોની સંમતી વગર ત્યાં મુકી શકાય તેવી સ્થિતિ ન હતી.
કોઈ સીટીંગ જજના નિવાસે કોઈ આવી રીતે ચલણી નોટો મુકી જાય તે પણ શકય નથી. અહી પાંચ ગાર્ડ સતત તૈનાત રહે છે અને ઘરમાં તમામ જૂના અને વિશ્ર્વાસપાત્ર નોકરો જ છે.
પોલીસે આ ઘટનામાં પંચનામું કેમ ન કર્યુ તે પ્રશ્ન પણ કમીટીએ ઉઠાવ્યો હતો અને પોલીસની પણ તેમાં જવાબદારી નકકી થવી જોઈએ. કમીટીએ 55 સાક્ષી તપાસ્યા હતા અને તેમાં 10ના નામ જાહેર કર્યા છે.