e-KYCને લઇ મોટા સમાચાર, હવે રેશન કાર્ડધારકોને થશે ફાયદો, જાણો કેમ
લાભાર્થીઓનું ડુપ્લીકેશન અટકાવવાના હેતુથી છેલ્લા ૧.૫ વર્ષથી e-KYCની કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ ૩.૧૪ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ થયું છે. જૂન માસમાં જથ્થાની ફાળવણી સામે કુલ ૯૩.૪૦ ટકા અનાજ વિતરણ કરાયું છે

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની ખરાઈ કરવા માટે આધાર આધારિત ચકાસણી કરવાની પ્રક્રિયા એટલે e-KYC. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.14 કરોડ એટલે કે 85.80 ટકા NFSA રેશનકાર્ડ ધારકોએ e-KYC પૂર્ણ કર્યુ છે. જેમાં 5,70,363 બાળકો તથા 92,421 સભ્યો, 70 વર્ષથી મોટી ઉંમરના લાભાર્થીઓ ઉમેરાતા કુલ 88 ટકા જેટલું e-KYC પૂર્ણ થયું છે. સરકાર પાત્રતા ધરાવતા તમામ સાચા રેશનકાર્ડ ધારકોને લાભ આપવા માટે હંમેશા કટિબદ્ધ છે, આ વાત કરી છે અન્ન- નાગરિક પુરવઠા મંત્રી મંત્રી કુંવરજી બાવળીયાએ ,
તેમણે આ સાથે જોડાયેલી વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,નામદાર સુપ્રિમ કોર્ટના તા.11 ડિસેમ્બર-2023 અને તા.19 માર્ચ-2024ના હુકમ તથા કેન્દ્ર સરકારના તા.17 માર્ચ-2024ના પત્ર અન્વયે, રાજ્યના રેશનકાર્ડ લાભાર્થીની ખરાઈ કરવા, સાચા લાભાર્થીને લાભો પ્રાપ્ત થાય અને રેશનકાર્ડ લાભાર્થીઓનું ડુપ્લીકેશન ઘટે તે માટે e-KYCની કામગીરી છેલ્લા 1.5 વર્ષથી કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોના E-KYCની કામગીરી ઘરે બેઠા “My Ration” મોબાઈલ એપ્લિકેશનથી, નજીકનાં મામલતદાર/ઝોનલ ઓફિસ, ગ્રામ પંચાયત ખાતે V.C.E. દ્વારા, વાજબી ભાવનાં દુકાનદારો દ્વારા, શાળા/કોલેજના શિક્ષક અથવા સરકારી કર્મચારી દ્વારા “PDS Plus” મોબાઈલ એપ્લિકેશનથી થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત e-KYCની કામગીરી વધુ ઝડપી અને સરળ રીતે થઈ શકે તે માટે પોસ્ટ વિભાગ મારફત પોસ્ટમેન ઘરે-ઘરે જઈને NFSA હેઠળના રેશનકાર્ડ લાભાર્થીઓનું “PDS Plus” મોબાઈલ એપ્લિકેશન વડે e-KYC કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં આધારકાર્ડમાં જરૂરિયાત મુજબનાં સુધારા-વધારા માટે પોસ્ટ વિભાગની મદદથી આધારકાર્ડની વિવિધ રજૂઆતોનું નિરાકરણ લાવવામાં આવે છે.જેનો મહત્તમ લાભ લેવા લાભાર્થીઓને તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે NFSA કાર્ડધારકોને એપ્રિલ, મે અને જૂન-૨૦૨૫માં વિતરણ કરાયેલ જથ્થાની વિગતો આપતાં કહ્યું હતું કે, એપ્રિલ –૨૦૨૫માં વિવિધ કોમોડીટીનું ૯૩.૪૨ ટકા વિતરણ કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા મે તથા જૂન-૨૦૨૫ના એડવાન્સ ઘંઉ તથા ચોખાના જથ્થાની ફાળવણી કરવાનું જણાવ્યું હોવાથી મે-૨૦૨૫માં કુલ વિતરણ ૮૪.૮૧ ટકા તેમજ જૂન-૨૦૨૫માં ઘંઉ તથા ચોખાના જથ્થાની ફાળવણી સામે કુલ વિતરણ ૯૩.૪૦ ટકા થયુ છે.
આમ, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ- NFSA : ૨૦૧૩ મુજબ દરેક સાચા લાભાર્થીને અનાજ મળી રહે તે માટે એફ.પી.એસ. સંચાલકો સહિત સમગ્ર પુરવઠા તંત્રએ સરાહનીય કામગીરી કરી છે તેવું તેમણે ઉમેર્યુ હતું.