જાણવા જેવું

ઇઝરાયલે ગાઝામાં ફૂડ વિતરણ કેન્દ્ર પર હુમલામાં 410ના મોત ; યુએન રિપોર્ટ ,

ઇઝરાયેલના હુમલામાં 20 મહિનામાં 56 હજારથી વધુ લોકો માર્યા ગયા, હવે શાંતિની સ્થાનિકોને આશા

ઈઝરાયલે ગાઝામાં કાળો કેર વર્તાવ્યો છે. 50000થી વધુ લોકોના જીવ લીધા બાદ પણ તે ગાઝામાં હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. ત્યાં લાખો લોકોને ઘરવિહોણાં કર્યા બાદ છેલ્લા ઘણા દિવસોથી ગાઝાની નાકાબંધી કરી રાખવાને લીધે ત્યાં ભૂખમરાંની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાહત કેમ્પોમાં આશ્રય લેનારા લોકોને પણ ઈઝરાયલ બખ્શી રહ્યું નથી. તાજેતરમાં રાહત કેમ્પમાં ફૂડ પેકેટ મેળવવા માટે લાઈનમાં ઊભેલા લોકો પર સતત ગોળીબારની ઘટનાઓ બની રહી છે. ત્યાં ફરી એકવાર આવી ઘટનામાં 40 લોકો માર્યા ગયા છે અને 150 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.

મધ્ય ગાઝાના નુસરતમાં અલ-આવદા હોસ્પિટલમાં 20થી વધુ મૃતદેહો લવાયા હતા, આ હોસ્પિટલ સાથે જોડાયેલા મારવાન અબુએ કહ્યું હતું કે આ લોકો નજીકમાં અમેરિકા દ્વારા સંચાલિત ફૂડ વિતરણ કેન્દ્ર પર ગયા હતા તે સમયે જ ઇઝરાયેલ દ્વારા તેમના પર હુમલો કરી દેવાયો હતો અને ભારે ગોળીબાર કર્યો હતો.

આ હુમલામાં 150થી વધુ લોકો ઘવાયા છે. જ્યારે બાળકો પર કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફે ગાઝાને લઇને એક રિપોર્ટ જાહેર કર્યો છે અને કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં મે મહિનામાં જ પાંચ હજારથી વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. આ વર્ષની શરૂઆતથી જ દરરોજ 112 બાળકોને કુપોષણ સામે સારવાર આપવા માટે દાખલ કરાઇ રહ્યા છે. જ્યારે આ વર્ષે મે મહિનાના અંત સુધીમાં કુપોષણની સારવાર માટે કુલ 16376 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે રાહત કેમ્પોમાં રહેતા કે ફૂડ વિતરણ કેન્દ્રો પર ભોજન ફંફાળી રહેલા નાગરિકો પર ઇઝરાયેલ દ્વારા કરાઇ રહેલા હુમલાની સંયુક્ત રાષ્ટ્રે ટિકા કરી હતી અને તેને યુદ્ધનો ગુનો ગણાવ્યું હતું. મે મહિનાના અંતે ગાઝામાં શરૂ કરાયેલા ફૂડ વિતરણ કેન્દ્રો પર ઇઝરાયેલ દ્વારા અત્યાર સુધી કુલ 410 લોકોનો ભોગ લેવામાં આવ્યો છે.

માર્યા ગયેલા આ તમામ લોકો ભોજનની શોધખોળમાં ભટકતા ભટકતા આ કેન્દ્રો પર પહોંચ્યા હતા. આ આંકડા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ઇઝરાયલ દ્વારા નાગરિકોના ઘર પર સીધા મિસાઇલો છોડવામાં આવી રહી છે, આવી જ એક મિસાઇલ ગાઝાના સાબરામાં છોડાઇ હતી જેમાં એક ઘર તુટી પડતા 10 લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલનો દાવો છે કે હમાસ ઉંચી ઇમારતો પાછળ છુપાઇ રહ્યું છે જ્યારે હમાસે આ દાવાને નકાર્યા હતા. બીજી તરફ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિની ચર્ચા દરમિયાન પેલેસ્ટાઇનના નાગરિકોને આશા છે કે ઇઝરાયલ હવે તેમના પર હુમલા નહીં કરે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button