ભારતના શુભાંશુ શુક્લાએ ઐતિહાસિક ઉડાણ ભરી ; શુભાંશુ શુક્લા 3 અવકાશયાત્રીઓ સાથે અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી સ્પેસએક્સ ડ્રેગનમાં બેસીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ ઉડાણ ભરી હતી
ભારતના શુભાંશુ શુક્લાએ અવકાશ જગતમાં ઈતિહાસ રચી દીધો છે.

ભારતના શુભાંશુ શુક્લાએ ઐતિહાસિક ઉડાણ ભરી લીધી છે.એક્સિઓમ 4 મિશન હેઠળ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 3 અવકાશયાત્રીઓ સાથે બુધવારે બપોરે 12 વાગ્યે અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી સ્પેસએક્સ ડ્રેગનમાં બેસીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ ઉડાણ ભરી હતી. શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પહેલા ભારતીય બન્યાં છે.
હાલમાં ઈન્ટરનેશલ સ્પેસ સ્ટેશન 400 કિમી ઉપર રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુને લઈ જતી સ્પેસએક્સની ફ્લાઈટ ગુરુવારે સાંજના 4.30 ની આસપાસ ઈન્ટરનેશનલ સ્પેસ સાથે જોડાશે.
અંતરીક્ષ ઉડાન પર રવાના થયેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલાએ તેની ઉડાનની 10 મીનીટ બાદ એક સંદેશમાં કહ્યું કે, આ એક શાનદાર સફર બની રહી છે અને 41 વર્ષ બાદ ભારતના કોઇ વ્યકિત અંતરીક્ષમાં પહોંચ્યા છે.
તેમણે કહ્યું કે, અમે 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિથી પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા છીએ અને મારા ખભ્ભા પર મારી સાથે તિરંગો છે જે મને સતત બતાવે છે કે આપ સૌ મારી સાથે છો, આ ફકત મારી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધીની સફર નથી પરંતુ ભારતના માનવ અંતરીક્ષ કાર્યક્રમનો પ્રારંભ છે.
હું ઇચ્છું છું કે તમે પણ તેનો હિસ્સો બનો. આપણે સૌએ ગર્વ અનુભવવાની જરૂર છે. અંતે તેને જય હિન્દ, જય ભારત તેવું લખ્યું હતૂું
ISS પર જનારા પહેલા અને આકાશમાં જનારા બીજા ભારતીય
શુભાંશુ શુક્લા ચાર દાયકા બાદ એટલે કે 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા બાદ અવકાશમા જનારા બીજા ભારતીય બન્યાં છે. 39 વર્ષીય ફાઇટર પાઇલટ શુભાંશુ શુક્લાને આ ઐતિહાસિક ઉડાન માટે ISRO દ્વારા મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ISS પર શું કરશે નવા ચાર અવકાશયાત્રીઓ
પંદર દિવસના આ મિશનમાં એક્સિઓમ-4 મિશનના ચાર સભ્યોની ટીમ 60 વૈજ્ઞાનિક પ્રયોગો કરશે, જેમાંથી સાત ભારતીય સંશોધકો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.ગ્રુપ કેપ્ટન શુક્લા અવકાશ-થી-પૃથ્વી આઉટરીચ કાર્યક્રમમાં ભાગ લેશે અને અવકાશમાંથી એક VIP સાથે વાર્તાલાપ કરશે.
એક્સિઓમ 4 મિશનમાં કોણ કોણ છે
ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ 4 મિશનના પાયલોટ છે તેમની સાથે નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસન,પોલેન્ડના સ્લેવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ સામેલ છે.
સ્પેસમાં જતાં પહેલાની તસવીર સામે આવી
ભારતના ઐતિહાસિક અવકાશ ઉડાન પહેલા, સ્પેસએક્સ અવકાશયાનની અંદરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા તેમના સ્પેસ સૂટમાં સંપૂર્ણપણે તૈયાર જોવા મળે છે. તેમની સાથે, ત્રણ વધુ અવકાશયાત્રીઓ પણ તેમની સીટ પર બેઠા છે. દરેક વ્યક્તિ લોન્ચ માટે સંપૂર્ણપણે તૈયાર અને શાંત દેખાય છે.