અમદાવાદમાં કાલે અષાઢી બીજની રથયાત્રા : 24000 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ,
ક્રાઉડ મેનેજમેન્ટ માટે પ્રથમવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે ,

આવતીકાલે પવિત્ર અષાઢી બીજ નિમિતે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટેની તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે. રથયાત્રા પુર્વે નેત્રોત્સવ વિધિ પણ થઈ હતી. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનની આરતી ઉતારીને ધ્વજારોહણ કર્યુ હતું.
ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા બંદોબસ્તનું પરિક્ષણ કર્યુ હતું. તેઓ રૂટ પર પગપાળા ગયા હતા. આ વખતે ડ્રોન તથા એઆઈ ટેકનોલોજીનો પણ સુરક્ષા વ્યવસ્થામાં ઉમેરો કરવામાં આવ્યો છે. ક્રાઉડ મેનેજમેન્ટ માટે આ ટેકનોલોજી ઉપયોગમાં લેવાનાર છે.
રથયાત્રાના રૂટ નિરીક્ષણ દરમિયાન ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા એ સૌથી મોટી આસ્થા અને વ્યવસ્થાની પણ યાત્રા છે. દેશમાં પ્રથમ વખત અમદાવાદની રથયાત્રામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ડ્રોન અને એઆઈ ટેક્નોલોજીથી જનમેદની પર નજર રખાશે અને ભાગદોડ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે. ભાવિક-ભક્તો જગન્નાથજીના દર્શન સરળતાથી કરી શકે અને તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એ માટે આધુનિક ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે.
રથયાત્રાની વિશેષ સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રાના સમગ્ર રૂટનું 3ઉ મેપિંગ કરાવવામાં આવ્યું છે. 3D મેપિંગના ગ્રાફિક્સના આધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ સાથે 3500 સીસીટીવી કેમેરા, 2872 બોડી વોર્મ કેમેરા, 240 ટેરેસ પોઇન્ટ, 25 વોચ ટાવર અને 23,844 જેટલા પોલીસ જવાનો દ્વારા અમદાવાદ રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 213 જેટલી રથયાત્રાઓ યોજવામાં આવે છે. આ રથયાત્રાઓમાં ધાર્મિક સંસ્થાઓ સાથે સંકલન કરીને ગુજરાત પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદની રથયાત્રાએ સામાજિક એકતાનું પ્રતીક છે.અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ પોલિસિંગ થકી તમામ સમુદાયો વચ્ચે ભાઈચારો ઘનિષ્ઠ બને એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
રથયાત્રાના રૂટ પરનાં જર્જરિત મકાનો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, જર્જરિત મકાનોનો સર્વે હાથ ધરીને 484 ભયજનક મકાનોને આઇડેન્ટિફાઈ કરીને તમામને સીલ કરવામાં આવ્યાં છે,તેમજ છાપરા-પતરાથી બ્લોક કરવાની કામગીરી એએમસીના સહયોગથી કરવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન નાનાં બાળકો ખોવાઈ જાય તો તેમને પરિવાર સુધી પહોંચાડવા માટે રથયાત્રાના રૂટ પર 17 જનસહાય કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.ગયા વર્ષે આવાં કેન્દ્રો દ્વારા 65થી વધુ બાળકોને સહી સલામત રીતે તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં.