શંકરાચાર્યનું વિવાદી નિવેદન : મનુ સ્મૃતિ બંધારણથી પણ મોટી, દેશમાંથી અનામત પ્રથા ખતમ કરી દેવી જોઈએ: શંકરાચાર્ય અવિમુકતેશ્ર્વરાનંદ
શંકરાચાર્યે આરએસએસ પર ફટકાર લગાવી કહ્યું- આરએસએસ કંઈ નથી કહેતું, તે જયાં જેવો માહોલ હોય તેવું કહે છે

ઉતરપ્રદેશના ઈટાવામાં કથાવાચકોની મારપીટના મામલામાં રાજનીતિ ગરમાઈ છે. સપા-ભાજપ એકબીજા પર પ્રહાર કરી રહ્યો છે ત્યારે શંકરાચાર્ય અવિમુકતેશ્ર્વરાનંદ સરસ્વતીએ વર્ણ વ્યવસ્થાનું સમર્થન કર્યું છે. તેમણે મનુ સ્મૃતિને બંધારણથી પણ મોટું બતાવ્યું છે અને અનામતને ખતમ કરી દેવાની વાત કરી છે.
તેમણે આરએસએસ સામે પણ નારાજગી બતાવી છે અને સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા કથાવાચકોનું સન્માન કરવાને પણ ખોટુ બતાવ્યું હતું. શંકરાચાર્ય અવિમુકતેશ્ર્વરાનંદ સરસ્વતીએ એ વર્ણ વ્યવસ્થાનું સમર્થન કરતા કહ્યું હતું કે શંકરાચાર્ય તરીકે વર્ણ વ્યવસ્થાને બચાવવી તેનું કર્તવ્ય છે.
તેમનું માનવું છે કે મનુ સ્મૃતિ કે જે પ્રાચીન ભારતીય કાયદાનું પુસ્તક માનવામાં આવે છે. તે બંધારણથી પણ મોટું છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું હતુ કે મનુ સ્મૃતિ જ પુરી દુનિયામાં બંધારણનું કામ કરે છે.
શંકરાચાર્યે દેશમાંથી અનામતને ખતમ કરી દેવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બંધારણ ભેદભાવ કરે છે. શંકરાચાર્યે એમ પણ કહ્યું હતું કે સનાતન ધર્મમાં ચાર વર્ણ છે અને કોઈપણ વર્ણ કોઈથી કમ નથી. બધા સમાન છે.
જો કે શંકરાચાર્યે એમ પણ કહ્યુ હતું કે તે બાબાસાહેબ આંબેડકરના બંધારણને પડકારતા નથી. તેઓ બંધારણના અનુચ્છેદ 25,26,27 અને 28 અંતર્ગત મળેલી છુટના કારણે જ સનાતન ધર્મનું પાલન કરી રહ્યા છે.
જયારે તેમને પુછવામાં આવ્યુ કે તેમની ભાષા આરએસએસની નજીકની લાગે છે તો તેમણે આરએસએસ પર નારાજગી બતાવતા કહ્યું કે તે કંઈ નથી કહેતું, તે જયાં જેવો માહોલ હોય તેવું કહે છે