ડુંગરા દુરથી રળિયામણાં : કેનેડામાં પાંચ વેકન્સી માટે બેરોજગારોની લાંબી લાઈન ,
ભારતીય યુવતીએ તસ્વીર શેર કરી કેનેડાની વરવી વાસ્તવિકતા બતાવી

ભારતમાં એવા ઘણા લોકો છે જે વિચારે છે કે, વિદેશમાં જવા મળે તો લાઈફ સેટ થઈ જાય. તેમાંય ગુજરાતીઓ તો ખાસ કરીને અમેરિકા અને કેનેડા જવા માટે તલપાપડ હોય છે.
થોડા સમય પહેલા તો કેનેડા જવા માટે લાઈનો લાગી હતી. પરંતુ કેનેડામાં જોબ મળવી અઘરી છે અને મકાનોના ભાડાં પણ પોષાય તેવા નથી એટલે ત્યાં જનારા ઘણા લોકો હવે પસતાઈ રહ્યા છે.
કેનેડામાં કેટલી બેરોજગારી છે તે દર્શાવતો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક ઈન્ડિયન યુવતીએ આ વિડીયો પોસ્ટ કર્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર @kanutalescanada હેન્ડલથી શેર કરાયેલા વિડીયોમાં ઈન્ડિયન યુવતી એવું કહેતી જોવા મળી રહી છે કે, ઈન્ડિયાના જે લોકોને એમ લાગે છે કે, કેનેડામાં ઘણી જોબ અને પૈસા છે, તેમને આ વિડીયો બતાવી દેજો. આ વિડીયોમાં તેણે એક જોબ ફેરમાં લાગેલી બેરોજગારોની લાઈન બતાવી છે.
તેણે જણાવ્યું હતું કે, બેઝિક ઈન્ટરશિપ લેવલની માત્ર 5થી 6 જ જગ્યાઓ ભરવાની હોવા છતાં જોબ મેળવવા માટે મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉમટી પડ્યા હતા.
તેનું કહેવું હતું કે, ’આ છે કેનેડાની વાસ્તવિકતા. જો તમે તેના માટે તૈયાર છો તો કેનેડા આવજો, નહીં તો ઈન્ડિયામાં રહેવું જ સારું છે.’