ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. આશ્રમમાં જૂની પ્રણાલીના નિયમોનું ઉલ્લંઘન થતુ હોવાનો પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આશ્રમ ટ્રસ્ટી મંડળે પૂર્વ વિદ્યાર્થીઓના આક્ષેપોને નકાર્યા હતા અને તેઓ કોઇ ખોટી વ્યક્તિનો હાથો બનીને આક્ષેપો કરી રહ્યા હોવાનું ટ્રસ્ટી મંડળ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

જૂનાગઢના બિલખાનો આનંદ આશ્રમ વિવાદમાં આવ્યો છે. આ જ આશ્રમમાં અભ્યાસ કરી ચુકેલા એક પૂર્વ વિદ્યાર્થીએ જ આશ્રમમાં ચાલતી ગેરરીતિ સામે અવાજ ઉઠાવતા ચકચાર મચી ગઇ છે. ટ્રસ્ટી મંડળ દ્વારા આશ્રમના નિયમોનો નેવે મુકીને ગેરરીતિ કરતા હોવાનો આક્ષેપ થતા વિવાદોના વમળ પેદા થઇ ચુક્યા છે. સમગ્ર મામલે વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદન આપીને રજુઆત કરવામાં આવી હતી. કલેક્ટરે પણ સમગ્ર મામલે તપાસ કરીને જો આક્ષેપો સાચા સાબિત થાય તો કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની બાંહેધરી વિદ્યાર્થીને આપવામાં આવી હતી.
આશ્રમ ટ્રસ્ટી મંડળે પૂર્વ વિદ્યાર્થીઓના આક્ષેપોને નકાર્યા હતા અને તેઓ કોઇ ખોટી વ્યક્તિનો હાથો બનીને આક્ષેપો કરી રહ્યા હોવાનું ટ્રસ્ટી મંડળ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
આક્ષેપોથી આશ્રમને બદનામ કરવાનું ટ્રસ્ટીઓએ ષડયંત્ર ગણાવ્યું હતું અને વિદ્યાર્થીઓને પણ સાથે બેસીને વિવાદ ઉકેલવા માટે અપીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા પણ કરી છે.
ટ્રસ્ટીઓએ દાવો કર્યો કે, સનાતન વૈદિક પરંપરા અંતર્ગત અને તેને આગળ વધારવા માટે આશ્રમની નથુરામ શર્માજીએ સ્થાપના કરી હતી. છેલ્લા 128 વર્ષથી બિલખાનો આનંદ આશ્રમ કાર્યરત છે. જેમાં આ પહેલીવાર છે કે કલેક્ટર સુધી સમગ્ર મામલે ગેરરીતિનાં આક્ષેપો અને અરજી થઇ છે. આશ્રમના સુચારુ સંચાલન માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવેલા છે. જો કે વિદ્યાર્થીઓનો દાવો છે કે, આ નિયમોનું પાલન થતું નથી. અથવા તો નિયમોને તોડી મરોડીને ટ્રસ્ટી મંડળ પોતાનાં ફાયદા માટે આ નિયમોનું ઉલ્લંઘન કરે છે. જે અયોગ્ય છે તેવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. જો કે હાલ તો સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવશે અને તેના અંતે જ પરિણામ બહાર આવશે કે ટ્રસ્ટી મંડળ સાચુ છે કે પછી વિદ્યાર્થીઓ સાચા છે.