અમિત શાહની હાજરીમાં એકનાથ શિંદેએ ‘જય ગુજરાત’નો નારો લગાવ્યો ,
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં શરૂ થયેલા ભાષાના વિવાદમાં નાયબ મુખ્યમંત્રીએ નવો ટર્ન આપ્યો : ઉધ્ધવ અને રાજ ઠાકરેને પૂર્વ સાથીનો સીધો જવાબ ,

હાલમાં જ મુંબઇમાં મરાઠી નહીં બોલવા બદલ એક ગુજરાતી વ્યાપારી પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાના હુમલાનો વિવાદ સર્જાયો છે અને રાજય સરકારે પણ તેને ગંભીરતાથી લીધો છે તે વચ્ચે રાજયના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા પુણે ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં જય હિંદ, જય મહારાષ્ટ્રની સાથે સાથે જય ગુજરાતની ઘોષણા કરી હતી.
રાજ્યમાં મરાઠી અને હિંદી ભાષા મુદ્દે ચાલી રહેલાં વિવાદ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાનના આ પગલાંને કારણે રાજકીય માહોલ વધુ ગરમાશે એવી ચર્ચા ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આજે પુણેની મુલાકાતે આવ્યા છે. આ સમયે જયરાજ સ્પોર્ટ્સ એન્ડ ક્ધવેન્શન સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં એકનાથ શિંદેએ ભાષણ આપ્યું હતું અને ભાષણ પૂરું કરતાં નાયબ મુખ્ય પ્રધાને અમિત શાહ માટે એક શાયરી બોલીને અંતમાં ધન્યવાદ, જય મહારાષ્ટ્ર બોલીને નીકળી રહ્યા હતા, અને ત્યાર બાદ અચાનક નીચે વાંચીને જય ગુજરાતનો નારો ઉચ્ચાર્યો હતો. હવે આ આના પરથી વિવાદનો મધપૂડો છંછેડાય એવી શક્યતા છે.
ગુજરાતી સમાજ દ્વારા પુણેના કોંઢાવા વિસ્તારમાં આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. શિંદેએ અમિત શાહની હાજરીમાં આવો નારો ઉચ્ચાર્યો હતો. અમિત શાહ માટે નાયબ મુખ્ય પ્રધાને એક શેર સંભળાવ્યો હતો-
નાયબ મુખ્ય પ્રધાનના આ શાયરી પઠન અને જય ગુજરાતની ઘોષણાના પણ રાજકીય સમીકરણો જોડવામાં આવી રહ્યા છે. જોઈએ હવે શિંદેના પગલાંથી રાજ્યમાં તેના શું પડઘા પડે છે.
2019ની ચૂંટણીમાં આદિત્ય ઠાકરેની સભાના ગુજરાતી બેનર પણ દર્શાવ્યા
પુનામાં યોજાયેલ કાર્યક્રમમાં રાજયના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમના પૂર્વ નેતા ઉધ્ધવ ઠાકરેને પણ ટોણો મારી દીધો હતો અને તેમણે કહ્યું કે અમારી ટીકા કરનારાઓ એ પહેલા અરીસામાં જોવાની જરૂર છે. તેમણે હિન્દુત્વને આગળ ધર્યુ હતું અને કહ્યું હતું કે હિન્દુત્વ એ અમારો આત્મા છે તો બીજી તરફ ઉધ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે જિનકે ઘર શીશે કે હોતે હૈ દુસરે કે ઘરો પર પથ્થર ફેંકા નહીં કરતે, તેમણે આ ઉપરાંત ઉધ્ધવ ઠાકરેનો વિડીયો દેખાડયો હતો.
જેમાં ઉધ્ધવ જય હિન્દ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત બોલી રહ્યા હતા. 2019ની વિધાનસભા ચૂંટણીમાં આદિત્ય ઠાકરેનું પ્રચાર બેનર પણ શિંદેએ દેખાડયુ હતું અને જેના ‘કેમ છો વરલી’ તે ગુજરાતીમાં લખાયું હતું અને પૂછયું કે આ શું છે. તેમણે એ પણ ઉમેર્યુ કે અમે ચૂંટણીને નજરમાં રાખીને અમારી ભૂમિકા બદલતા નથી. ગુજરાતી સમાજે પેઢીઓથી મહારાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપ્યું છે અને તેમણે ઉભા કરેલા પ્રોજેકટથી મહારાષ્ટ્રને ફાયદો થયો હતો.