ગુજરાત

રાજકોટના ક્ષત્રિય અગ્રણી પી. ટી.જાડેજા પાસામાં સાબરમતી જેલમાં ધકેલાયા અમરનાથ મંદિરમાં મહાઆરતી મામલે લોહીયાળ ક્રાંતિની ધમકી આપી હતી

તાલુકા પોલીસે મોડી રાતે કાર્યવાહી કરી પી. ટી. જાડેજાને જેલ હવાલે કર્યા, અગાઉ મનીલેન્ડ સહિતના ગુના નોંધાયેલ છે

રાજકોટમાં બિગ બજાર પાછળ આવેલ અમરનાથ મંદિરના સ્વયંસેવકને મહાઆરતી મામલે લોહીયાળ ક્રાંતિની ધમકી આપી મંદિરને તાળું મારી દેવાની ધમકી આપનાર પીટી જાડેજાને પાસામાં અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે.  અગાઉ પણ તેમની વિરુદ્ધ મનીલેન્ડ સહિતના ગુના નોંધાયેલ છે.

રાજકોટમાં લોકસભા ચૂંટણી સમયે પરસોતમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે વિવાદીત ટીપ્પણી કર્યા બાદ  રાજ્યમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનનો ચહેરો રહેલા પી.ટી.જાડેજા પર હવે કાયદાકીય ગાળિયો કસવામાં આવી રહ્યો છે.

જેમાં રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર ગિરિરાજ હોસ્પિટલ પાછળ નવજ્યોત પાર્કમાં રહેતા કારખાનેદાર જસ્મીનભાઇ ભરતભાઇ મકવાણા (ઉ.વ.44)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાંઇનગર સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજાનું નામ આપ્યું હતું. જસ્મીનભાઇ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે 25 વર્ષથી અમરનાથ માહદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે.

આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ મહાઆરતીમાં દર વખતે 800 જેટલા લોકો ભાગ લે છે.પી.ટી.જાડેજા અગાઉ મંદિરના ટ્રસ્ટી હતા. ગત તા.21 એપ્રિલના સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રૂપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવ્યું હતું.

જેના એક દિવસ પહેલાં એટલે કે તા.20ના સાંજે પી.ટી.જાડેજાએ કારખાનેદાર જસ્મીનભાઇને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી. આ કારખાનેદારને ક્ષત્રિય આગેવાને ધમકી આપી ‘આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે’ કહી ગાળો પણ ભાંડી હતી.

એટલું જ નહિ આ પછી તા.21ના મંદિર પાસે લાગેલા બેનર્સ પણ પી.ટી.જાડેજા લઈ ગયા હોવાનો અને મંદિરે શ્વાન લઇને આવી લોકોને ડરાવતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદી દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.

બાદમાં સાંઇનગરમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજાએ લોહિયાળ ક્રાંતિ કરવાના નામે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પી.ટી.જાડેજા સામે તાલુકા પોલીસે ધમકી આપવાનો ગુનો નોંધતા શહેરમાં ચકચાર મચી હતી.અગાઉ પી.ટી.જાડેજા સામે વ્યાજખોરી અંગેનો માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

જોકે ગઈકાલે અચાનક જ પોલીસ તેના ઘરે પહોંચી હતી અને પાસા હેઠળ અટકાયત કરી રહ્યાનું પોલીસ અધિકારીએ જાણ કરતાં જ પી.ટી.જાડેજાનું બ્લડપ્રેશર વધી ગયું હતું, તેમની તબિયત લથડતાં તેમને ગિરિરાજ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

ટૂંકી સારવાર બાદ પી.ટી.જાડેજાને તાલુકા પોલીસ સ્ટેશને લઇ જઇ અટકાયતની કાર્યવાહી પૂર્ણ કરી અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button