દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં ચોમાસાની જમાવટ વચ્ચે પાટનગર દિલ્હીથી માંડીને સમગ્ર ઉતર ભારતમાં વરસાદી રેલમછેલ ,
મૃત્યુઆંક 82 પર પહોંચ્યો : હજુ ડઝનબંધ લાપતા : સતત વરસાદથી બચાવ કામગીરીમાં વિક્ષેપ

દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં ચોમાસાની જમાવટ વચ્ચે પાટનગર દિલ્હીથી માંડીને સમગ્ર ઉતર ભારતમાં વરસાદી રેલમછેલ રહી છે. હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડમાં મેઘતાંડવની સ્થિતિ યથાવત રહેવા સાથે રેડએલર્ટ જાહેર કરાયું હતું. જયાં કુલ મૃત્યુઆંક 82 પર પહોંચ્યો હતો.
પાટનગર દિલ્હીમાં આજે સવારથી વરસાદ શરૂ થયો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોના ભાગોમાં પાણી ભરાતા લોકો પરેશાનીમાં મુકાયા હતા.
બીજી તરફ સમગ્ર ઉતર ભારતમાં પણ ભારે વરસાદનો દોર જારી હતો.પહાડથી માંડીને મેદાની ક્ષેત્રોમાં મેઘતાંડવની સ્થિતિ હતી. હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડમાં વાદળ ફાટવાની ઘટનાઓનો સિલસિલો ચાલૂ હતો. ભેખડ ઘસી પડવાને કારણે અનેક માર્ગો પણ બંધ રહ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં વિવિધ દુર્ઘટનાઓનો મૃત્યુઆંક 82 પર પહોંચ્યો હતં અને હજુ ડઝનબંધ લોકો લાપતા રહ્યા છે. બન્ને રાજયોમાં યુદ્ધનાં ધોરણે રાહત બચાવ કામગીરી હોવા છતાં એકધારા ભારે વરસાદને કારણે અવરોધ ઉભો થઈ રહ્યો છે.
દરમ્યાન હવામાન વિભાગ દ્વારા ઉતરપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, સહિતના અનેક રાજયોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઉતરપ્રદેશનાં 16 જીલ્લાઓમાં વિજળી ત્રાટકવા સાથે તોફાની વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.