રાજકોટ શહેર અને જેતપુર હાઇવેની ખરાબ હાલતને લઈને આમજનતામાં આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે.
શહેર ખાડા નગરી બન્યું છે તો બીજી તરફ અપૂર્ણ હાઇવે માટે કોંગ્રેસે "રોડ નહી તો ટોલ નહી"ના સૂત્ર સાથે ઘેરાવની જાહેરાત કરી છે

સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર રાજકોટ હાલમાં રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ભારે ચર્ચામાં છે. શહેરના અંદર અને શહેરના બહાર વિસ્તારમાં આવેલા રાજકોટ-જેતપુર હાઇવે બંને જગ્યાએ રસ્તાઓની હાલત એટલી દયનિય છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ શહેરના વિસ્તારોમાં મોટા મોટા ખાડાઓ પડ્યા છે તો બીજી તરફ હાઇવેનું કામ અર્ધવટું હોવાથી વાહનચાલકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ શહેરમાં રસ્તાઓની હાલત એટલી બિસમાર થઈ ગઈ છે કે હવે લોકો ‘રંગીલું રાજકોટ’ને ‘ખાડા નગરી’ કહી રહ્યા છે. ખાસ કરીને પરસાણા નગર અને આસપાસના જંકશન વિસ્તારના રહેવાસીઓ ભારે તકલીફોનો સામનો કરી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને પદયાત્રીઓ બંને માટે સફર જોખમી બની ગઈ છે.
સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે, “રોજ અહીં એકથી બે અકસ્માત થાય છે.” ઘણા લોકો તો એવું પણ કહે છે કે, “રસ્તા ઉપર ચાલવું એટલે ખાડામાં પડી જવાનું જોખમ હોય એવું લાગે છે.” તંત્ર પર આક્ષેપ કરતાં લોકોએ કહ્યું કે જ્યારે તંત્ર આવી ખરાબ હાલત જોયે છે ત્યારે ફક્ત કપચી અને માટી નાખી જમીન સંતાડી દે છે અને થોડા દિવસોમાં ફરીથી ખાડા દેખાવા લાગે છે. સ્થાનિકોએ તંત્રને ઢંઢોળીને જણાવ્યું છે કે હવે સહનશીલતાનો આ કાળ ખતમ થવો જોઈએ. લોકોની માંગ છે કે આ સમસ્યે દૂર કરો ,
તો બીજી તરફ અત્યારના સમયમાં રાજકોટ-જેતપુર હાઈવેની હાલત વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી બની છે. છેલ્લા ઘણા સમયથી હાઈવેનું કામ અધૂરું છે, જેના કારણે લોકો દિવસેને દિવસે ટ્રાફિક, ધૂળ અને ખાડા ભરેલા રસ્તાથી પરેશાન થઈ ગયા છે. આવી સ્થિતિમાં હજી પણ હાઈવે પર ટોલ વસૂલવામાં આવે છે, જેને લઈને કોંગ્રેસ પાર્ટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે “રોડ નહી તો ટોલ નહી” – એટલે કે જ્યાં સુધી હાઈવેનું કામ પૂરું નહીં થાય, ત્યાં સુધી ટોલ વસૂલવો યોગ્ય નથી.
આ મુદ્દાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અનોખું આંદોલન પણ શરૂ કર્યું છે. કાર્યકર્તાઓએ હાથમાં અને માથામાં પાટા બાંધી ને વિરોધ નોંધાવ્યો છે અને આમ જનતાની વ્યથા વ્યક્ત કરી છે. કોંગ્રેસે જણાવ્યું કે નાગરિકોનો ધીરજનો પાયમાળો થઈ ચૂક્યો છે, હવે પ્રશ્ન ફક્ત વિકાસ નહીં પરંતુ ન્યાયનો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે રાજકોટ કલેક્ટર કચેરીના ઘેરાવનું એલાન આપ્યું છે, જ્યાં તેઓ તાત્કાલિક કાર્યવાહી અને હાઈવેના કામમાં ઝડપ લાવવાની માંગણી કરશે. વિરોધમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે વાહનચાલકોને ન તો યોગ્ય માર્ગ મળે છે અને ન તો સલામતી, તો પછી ટોલ શેનો? કોંગ્રેસે તંત્ર અને માર્ગ વિકાસ વિભાગ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને તાત્કાલિક યોગ્ય પગલાં ભરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.