વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો ; ગયા વર્ષે જ 1.18 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું.
સુરતની એજન્સી ધ્રુવિન પી.પટેલને 1.18 કરોડનો વર્ક ઓર્ડર આપ્યો હતો. બ્રિજનું સ્ટ્રક્ચર તકલાદી થયું હોવા છતા કન્સલટન્ટે કોઈ સૂચન કર્યું ન હતું.

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો થયો હતો. ગયા વર્ષે જ 1.18 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું. સુરતની એજન્સી ધ્રુવિન પી.પટેલને 1.18 કરોડનો વર્ક ઓર્ડર આપ્યો હતો. બ્રિજનું સ્ટ્રક્ચર તકલાદી થયું હોવા છતા કન્સલટન્ટે કોઈ સૂચન કર્યું ન હતું.
ગયા વર્ષે જૂનમાં જ દુર્ઘટનાગ્રસ્ત ગંભીરા બ્રિજના સમારકામ 1.18 કરોડના ખર્ચે કરાયું હતું. માર્ગ મકાન વિભાગે આ કામગીરી સુરતની ધ્રુવિન પી.પટેલ એજન્સીને આપી હતી. આ એજન્સીએ બ્રિજની પેરાપિટ તેમજ બ્રિજ પર રિસરફેસિંગની કામગીરી જુલાઈ 2024 સુધી પૂર્ણ કરી હતી.
નોંધનીય છે કે વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો હતો. એક જ પરિવારના 3 લોકો સહિત 13 લોકોના દુર્ઘટનામાં મોત થયા હતા. દ્વારકાના મહેન્દ્ર હથીયા, આંકલાવના વિષ્ણુભાઈ રાવલનો મૃતદેહ મળ્યો હતો. બે ટ્રક, રિક્ષા, પિકઅપ ગાડી 18 મીટર ઉપરથી નદીમાં ખાબક્યા હતા. 40 વર્ષ જૂના ગંભીરા બ્રિજના રિપેર માટે અનેક ફરિયાદ કરાઇ હતી. નદીમાં ખાબકેલા ટ્રકને સીધો કરતા 3 મૃતદેહ મળી આવ્યા હતા.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ AMCને કાર્યવાહી યાદ આવી હતી. અમદાવાદના તમામ બ્રિજનો સર્વે, ઈન્સ્પેક્શન કરાવાશે. બ્રિજ કેટલા વર્ષ સુધી ટકે તેમ છે તેનો કમિશ્નરે રિપોર્ટ મંગાવ્યો હતો. રિવ્યૂ બેઠકમાં 5 હજારથી વધુ ખાડા તાત્કાલિક પૂરવા સૂચના આપવામાં આવી હતી.
કન્લસ્ટન્ટ પાસેથી વેલિડિટી તારીખ લેવા AMC કમિશ્નરે સૂચના આપી છે.બુધવારે યોજાયેલી રિવ્યૂ બેઠકમાં શહેરના વિવિધ બ્રિજના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો મુદ્દો ચર્ચાયો હતો. શહેરમાં થોડા સમય પહેલા તમામ બ્રિજસ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરાવ્યો હતો. જો કે આ રિપોર્ટમાં મોટાભાગના બ્રિજ યોગ્ય હોવાનો અહેવાલ આવ્યો હતો. જેથી કમિશ્નરે આ બ્રિજનો કન્સ્લટન્ટ પાસે તપાસ અહેવાલમાં કેટલો સમય ટકે તેમ છે તેની રૂપરેખા લેવા માટે સૂચના અપાઈ છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ રાજકોટ કલેક્ટરે પણ મહત્વનો આદેશ આપ્યો હતો. જિલ્લાના તમામ પુલોનું ચેકીંગ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. માર્ગ મકાન વિભાગ, હાઈવે ઓથોરિટી સહિતના વિભાગોને સૂચના આપી હતી. પુલના ઈન્સ્પેક્શન, ગુણવત્તાની ચકાસણી કરવા આદેશ અપાયો હતો. પુલની વર્તમાન પરિસ્થિતિ સહિતના બાબતો અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો.