હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ઢાંગુમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ ; નદી પરના રેલવે બ્રિજનો પાયો ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જ ધરાશાયી થઈ ગયો ,
ઢાંગુ હિમાચલ પ્રદેશ અને પંજાબની સરહદ પર આવેલું છે. આ પુલ પઠાણકોટ થઈને દિલ્હી-જમ્મુ મુખ્ય રેલ્વે લાઇન પર હાજર છે.

હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા માલમિલકતની સાથે જ જાનહાનિ થઈ હોવાના અહેવાલો પણ આવ્યા છે. ત્યારે હવે હિમાચલ પ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક ટ્રેન રેલવે પુલ પરથી પસાર થઈ રહી છે અને નીચે પુલનો પાયો પ્રવાહમાં વહી ગયો. અહીં એક મોટી દુર્ઘટના ઘટી શકી હોટ, પરંતુ સદનસીબે ટ્રેન સરળતાથી પુલ પરથી પસાર થઈ ગઈ.
આ મામલો હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ઢાંગુનો હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીં ચક્કી નદી પર બનેલા રેલવે પુલની દિવાલ ધસી ગઈ. દરમિયાન એક ટ્રેન પુલ પરથી પસાર થઈ રહી હતી. આ ઘટનામાં સેંકડો મુસાફરો માંડ-માંડ બચી ગયા. ઢાંગુ હિમાચલ પ્રદેશ અને પંજાબની સરહદ પર આવેલું છે. આ પુલ પઠાણકોટ થઈને દિલ્હી-જમ્મુ મુખ્ય રેલ્વે લાઇન પર હાજર છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દૂરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રેન પુલ પરથી પસાર થઈ રહી છે અને ટ્રેન પસાર થાય તે પહેલાં જ દિવાલ ધસી ગઈ. આ ઘટના અંગે નૂરપુરના પોલીસ અધિક્ષકે કહ્યું કે વિસ્તારમાં ભારે વરસાદને કારણે રિટેનિંગ વોલ પડી ગઈ. સાવચેતીના પગલા રૂપે, અમે નજીકના ઢાંગુ રોડને હાલ પૂરતો બંધ કરી દીધો છે અને રેલ્વે અધિકારીઓને જાણ કરી દીધી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ પરથી હજુ પણ ટ્રેનો પસાર થઈ રહી છે, પરંતુ આ પુલ ગમે ત્યારે બંધ થઈ શકે છે. એક દિવસમાં આ પુલ પરથી 90 ટ્રેનો પસાર થાય છે, પરંતુ હવે તે ગમે ત્યારે બંધ કરવામાં આવી શકે છે. માત્ર રેલવે પુલને જ નહીં, પરંતુ માજરા અને એરપોર્ટ જવાના રસ્તાને પણ નુકસાન થયું છે.
વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં ઘણી તબાહી થઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 78 લોકોના જીવ ગયા છે, જયારે કેટલાય લોકો ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું છે. જણાવી દઈએ કે 20 જૂન પછી, અચાનક પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી રાજ્યમાં ઘણી તબાહી થઈ છે.