રાજકોટ સ્થિત હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જતી ફ્લાઈટ સ્થગિત થતા મુંબઈ જનાર મુસાફરો અટવાયા
18 જુલાઈ થી 31 ઓગસ્ટ સુધી ફ્લાઈટ બંધ રહેશે. મળતી માહિતી મુજબ એરક્રાફ્ટમાં ઈન્ટિરિયર ચેન્જ કરવાનું હોઈ ફ્લાઈટ સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજની એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ 27 જૂનથી 16 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવતા મુસાફરો અટવાયા હતા. 18 જુલાઈથી ફ્લાઈટ બંધ થઈ જતા હવે 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. મળતી માહિતી મુજબ એરક્રાફ્ટમાં ઈન્ટિરિયર ચેન્જ કરવાનું હોઈ ફ્લાઈટ સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બંધ થવાથી દરરોજ મુસાફરી કરતા લોકોની મુશ્કેલી વધશે. ખાસ કરીને રાજકોટથી મુંબઈ વચ્ચે રોજનો વ્યાવસાયિક કે તાત્કાલિક કામકાજ માટે આવનારા લોકો માટે આ નિર્ણય મુશ્કેલી સર્જે એવી શક્યતા છે. બીજી તરફ, ફ્લાઈટ બંધ થવાનું મુખ્ય કારણ મુસાફરોની ઘટતી સંખ્યા અને તાજેતરમાં થયેલી દુર્ઘટનાને લઈ એરલાઇનની સુરક્ષા અંગે ચિંતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 31 ઓગસ્ટ સુધી ફ્લાઈટ રદ રાખવાની જાહેરાત બાદ હવે મુસાફરોને વિકલ્પરૂપે અન્ય એરલાઈન્સ અથવા ટ્રેનનું સહારો લેવો પડશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ મુંબઈ માટે ચાર ફ્લાઈટ ટેકઓફ થઈ રહી છે. જ્યારે દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર અને સુરત માટે એક-એક ફ્લાઈટ ઉપલબ્ધ છે. તેમજ દિલ્હી અને ગોવા માટેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ ચાલે છે. પુણે માટેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ સુધી ઉપલબ્ધ છે. જ્યારે અન્ય એક ફ્લાઈટ અઠવાડિયામાં માત્ર એક દિવસ ઉડાન ભરે છે.