હાઈકોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટરનો ઉધડો લીધો ; પોલીસ લોકોની અંગત જીંદગીમાં પણ દખલ દેવા લાગી છે ,
માતાને માસુમ પુત્રી સાથે મળવા ન દેતા હાઈકોર્ટનો ઠપકો : નોન - એકઝીકયુટીવ પોસ્ટ પર મુકી દેવાની ટકોર

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વૈવાહિક જીવનની તકરારના કેસમાં સામેલ થઈને તેમના અમાનવીય વર્તન અને અસંવેદનશીલતાને લઇ ભારોભાર ટીકા કરી હતી અને તેમને એક તબક્કે સસ્પેન્ડ, ટ્રાન્સફર કે નોન એકઝીકયુટીવ પોસ્ટમાં મૂકી દેવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો.
હાઇકોર્ટ દ્વાર જણાવવામાં આવ્યું હતું કે, આવા પોલીસ અધિકારીઓ સમાજ માટે જોખમી છે અને તેઓ સામાન્ય જનતા સાથે વ્યવહાર કરવાને લાયક નથી.
પતિ સાથેની તકરારના એક કેસમાં માતાને પોતાની ચાર વર્ષની પુત્રીને પોલીસ દ્વારા મળવા નહી દેવાતાં ગુજરાત હાઇકોર્ટે ગંભીર ટકોર કરી હતી. હાઇકોર્ટે પીઆઇના અમાનવીય વલણને લઇ ગંભીર સવાલ ઉઠાવ્યો કે, એક માતાને તેની ચાર વર્ષની માસૂમ પુત્રીને કેવી રીતે રોકી શકાય..?
બાળક અને તેની માતાની જીંદગીનું શું…?? શું હવે પોલીસ લોકોની અંગત જીંદગીમાં પણ દખલગીરી કરતી થઇ ગઇ છે..? લોકોના પાંચ-પચ્ચીસ હજારની વાત હોય તો પોલીસ ફરિયાદ નથી નોંધતી અને જો કોઇ પોલીસ સ્ટેશન જાય તો પોલીસ કેટલા હજારો પ્રશ્નો પૂછે છે..
જો સમાજમાં પોલીસ આવી જ હશે તો સમાજ સુરક્ષિત નહી રહે. તમે ખોટા લોકોમાં વિશ્વાસ મૂક્યો છે એમ પણ હાઇકોર્ટે સરકારપક્ષને ટકોર કરી હતી. હાઇકોર્ટે સરકારપક્ષને એ બાબતે પણ પૃચ્છા કરી હતી કે, આવા પોલીસ અધિકારી કોઇપણ ભોગે પોલીસ મથકનો હિસ્સો ના હોવા જોઇએ.
તેથી તમે એમને નોન એકઝીકયુટીવ પોસ્ટમાં ટ્રાન્સફર કરવા માંગો છો કે નહી તે જણાવો. નહી, તો અદાલતને ગંભીર અવલોકનો સાથે ઓર્ડર પાસ કરવો પડશે. જેથી સરકાર દ્વારા અદાલતને વિનંતી કરાઇ હતી કે, સાહેબ, પીઆઇની કેરિયર બગડી જશે..તેથી હાઇકોર્ટે જણાવ્યું કે, તેમની આ જ સજા છે…પીઆઇ દ્વારા દાખવાયેલું વર્તન કોઇપણ રીતે સાંખી શકાય તેવું કે સ્વીકાર્ય નથી.
સરકારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, આ કેસની તપાસ પીએસઆઇ કરે છે અને તેથી પીઆઇને લગભગ વાતની ખબર ન હતી., જેથી હાઇકોર્ટે જણાવ્યું કે, પીઆઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે, તેથી ખબર હોવી જોઇએ.
હાઇકોર્ટે પતિ દ્વારા પત્ની વિરૂધ્ધ રૂ। 25 લાખની ચોરી સહિતના આક્ષેપો કરતી નોંધાવાયેલી ફરિયાદના કેસમાં સ્ટે આપી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.