આઠમાં પગારપંચની રચનાનું જાહેરનામુ ‘યોગ્ય સમયે’ બહાર પડાશે ,
છ માસ પૂર્વે કરાયેલી જાહેરાતમાં નાણા મંત્રાલયનો ઠંડો પ્રતિસાદ : હજુ ચેરમેન અને સભ્યોના નામ પણ નિશ્ચિત થવાના બાકી છે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રચાનારા આઠમા પગારપંચ અંગે સરકારે લાંબો સમય પૂર્વે જાહેરાત કરી દીધી હોવા છતા પણ હજુ સુધી નવું પગારપંચ રચવા અંગે સરકાર તરફથી કોઈ હીલચાલ નહીં હોવાના સંકેત વચ્ચે સરકારે તાત્કાલીક તેમાં કોઈ નિર્ણય પર ઠંડુ પાણી રેડી દીધુ છે.
નાણામંત્રાલયે સ્પષ્ટ કરી દીધુ છે કે, પંચના અધ્યક્ષ અને કમીટીના સભ્ય નકકી થઈ જાય ત્યાર બાદ પંચની રચના અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. સરકારે હજુ આ નવા પગારપંચના કામકાજ એટલે કે ટર્મ ઓફ રેફરન્સ અંગે પણ કોઈ આખરી નિર્ણય લીધો નથી
પગારપંચના માધ્યમથી કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓને એક જાન્યુ. 2026થી નવા પગાર ભથ્થાનો લાભ મળશે પરંતુ તેની ભલામણો અને અમલ એ આગામી વર્ષના અંત પહેલા થાય તેવી શકયતા નથી.
ગઈકાલે લોકસભામાં નાણા રાજયમંત્રી પંકજ ચૌધરીએ આ અંગે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, સરકારે નવું પગારપંચ રચવા નિર્ણય લીધો છે; પરંતુ તેમાં હજુ સરકારના જ વિવિધ મંત્રાલય પાસેથી તેમના અભિપ્રાય અને સુચનો માંગવામાં આવ્યા છે.
તેમણે આ અંગે કોઈ ટાઈપલાઈન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સાતમા પગારપંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેની મુદત 10 વર્ષની હતી. જેથી આગામી વર્ષથી નવા પગારપંચની રચના ડયુ થઈ ગઈ છે.