ગુજરાતમાંથી SBI બેંકના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં 5.50 કરોડની લોનના કૌભાંડનો પર્દાફાશ, પૂર્વ મેનેજરો સહિત 18ની ધરપકડ
જેમાં 30 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી લોન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સ્ટેટ બેંકની બે અલગ અલગ બ્રાન્ચમાં બેંકના તમામ નીતિ નિયમોને નેવી મૂકી અધધ કહી શકાય તેટલું 5.50 કરોડની લોન આપી છેતરપિંડી કર્યા હોવાનું બેંકની ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે. આ કૌભાંડ ગુજરાતના દાહોદમાં બનતા રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ માં એક પછી એક કૌભાંડ સામે આવતા દાહોદનું નામ રાજ્ય લેવલે નહીં પરંતુ દેશભરમાં કલંકિત થઈ રહ્યું હોય તેવું જોવાઈ રહ્યું છે. એક પછી એક કૌભાંડોની વચ્ચે દાહોદની SBI (state bank of india) માંથી લોન કૌભાંડ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ કેસમાં બેંક મેનેજરે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બેંક મેનેજરો અને એજન્ટો સહિત 30 લોકો સામે કેસ નોંધ્યો હતો અને બંને શાખાઓના પૂર્વ મેનેજરો, બે એજન્ટો અને લોન ધારકો સહિત કુલ 18 લોકોની ધરપકડ કરી હતી.
વર્ષ 2021 થી 2024ના સમયગાળા દરમિયાન sbiની મેઈન બ્રાન્ચના મેનેજર ગ્રુમીતસિંહ પ્રેમસિંગ બેદી હાલ રહેવાસી સમા સાવલી વડોદરાનાએ સંજય ડામોર રેહ દાહોદ તેમજ ફઇમ શેખ રહેવાસી સુરતના જોડે મેળાપીપણા કરી ગેરકાયદેસર નાણાના સ્ત્રોત બતાવી, પોતાની સત્તાનો દુરુપયોગ કરી, બેંકના નિયમોને નેવે મૂકી રેલવેમાં વર્ગ 4માં નોકરી કરતા રેલવે કર્મચારીઓને કમિશન ઉપર તેમની પગાર ઓછી હોવા છતાંય બનાવટી પગાર સ્લીપમાં પગાર વધારે બતાવી 19 લોકોને 4.75 કરોડની લોન આપી દીધી હતી.
આ ઉપરાંત GLK ટાવરમાં ચાલતી SBIની બીજી બ્રાન્ચના મેનેજર મનીષ વામનરાવ ગવલેએ બંને એજન્ટો સાથે મળી 10 જેટલા વ્યક્તિઓના બનાવટી દસ્તાવેજો, પગાર સ્લીપ, બનાવી તેમને ઓન પેપર GSRTCના કર્મચારી તેમજ શિક્ષકો બતાવી 82.72 લાખ રૂપિયાની લોન આપી દીધી. આ આ લોન ગોટાળામાં બેંક મેનેજરે બંને એજન્ટો સાથે મળી બેંકના નિયમોને નેવે મૂકી લોન આપી દીધી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ કૌભાંડમાં કેટલાક રેલ્વે કર્મચારીઓ એવા હતા જેમનો પગાર ઓછો હતો. તેમને તેમની પગાર સ્લિપમાં ખોટા આંકડા વધારીને લોન આપવામાં આવતી હતી. એટલું જ નહીં, ઘણા લોકો એવા પણ હતા કે જેની પાસે કોઈ નોકરી કે પગાર સ્લીપ પણ નહતી, તેમને ખોટા ડોકયુમેન્ટ અને બનાવટી પગાર સ્લિપ બનાવીને લોન આપવામાં આવતી હતી.