પાક.ના ડિપ્લોમેટીક અને સત્તાવાર પાસપોર્ટ ધરાવતા અધિકારીઓ મુકત રીતે બાંગ્લાદેશમાં ફરી શકશે : ભારત વિરોધી પ્રવૃતિને પ્રોત્સાહનની શકયતા
બાંગ્લાદેશ આઝાદ થયા પછી પ્રથમ વખત પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ બન્ને દેશોના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રીનો નિર્ણય લીધો છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સબંધોમાં તનાવ વધી રહ્યો છે. જયારે પાકિસ્તાન સાથેના સબંધો અગાઉથી જ અત્યંત વણસેલા છે તે વચ્ચે ભારતના બે પાડોશી દેશો હવે વધુ નજીક આવી રહ્યા હોવાથી નવીદિલ્હી માટે રેડ સીગ્નલ જેવી સ્થિતિ બની છે.
બાંગ્લાદેશ આઝાદ થયા પછી પ્રથમ વખત પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ બન્ને દેશોના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રીનો નિર્ણય લીધો છે. ઢાકામાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી અને બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર જહાંગીર આલમ ચૌધરી વચ્ચેની એક બેઠક બાદ બન્ને દેશોએ પ્રથમ તબકકે ડીપ્લોમેટીક અને ઓફીશ્યલ પાસપોર્ટમાં વિઝા ફ્રી એન્ટ્રીનો નિર્ણય લીધો છે અને ધીમે ધીમે તે સામાન્ય નાગરીકો માટે અમલી બનાવાશે.
સુત્રોના જણાવ્યા મુજબ બન્ને દેશો વચ્ચેના આ નિર્ણયથી ભારત માટે ચિંતા વધશે ખાસ કરીને પાકિસ્તાનની જાસૂસી એજન્સી અને લશ્કરી દળના અધિકારીઓ મુકત રીતે અવરજવર કરી શકશે અને તેઓ બાંગ્લાદેશમાં પહોંચીને ઉતર પૂર્વ ભારત સહિતના ક્ષેત્રો માટે ચિંતા વધારી શકે છે.
એટલું જ નહીં પાકિસ્તાનના આ અધિકારીઓની હાજરી બાંગ્લાદેશમાં ઈસ્લામીક ગ્રુપોને ભારત વિરોધી પ્રવૃતિ માટે પ્રોત્સાહન કરી શકે છે. બન્ને દેશો હવે આંતરિક સલામતી, પોલીસ ટ્રેનીંગ, ડ્રગ કંટ્રોલ અને માનવ તસ્કરીમાં સંયુકત રીતે કામ કરવા સંમત થયા છે.
બાંગ્લાદેશનું એક પ્રતિનિધિ મંડળ ટુંક સમયમાં પાકિસ્તાનની નેશનલ પોલીસ એકેડમીની મુલાકાત લેશે. અત્યાર સુધી બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર આ પ્રકારના કરારોથી દૂર રહી હતી પણ સતા પલ્ટા પછી પાક અને બાંગ્લાદેશ વધુ નજીક આવ્યા છે.