અમદાવાદના બોપલમાં બે રાઉન્ડ ફાયરિંગ કેસમાં યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે ,
મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવતા હત્યા કે આત્મહત્યા તેને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવાર રાત્રીના સુમારે બે રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. બોપલના શિવાલય રો હાઉસમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના યુવક પર ફાયરિંગ થયું હતું. કલ્પેશ ટુંડિયાને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું હતું.
મંગળવારે રાત્રીના સુમારે અમદાવાદના બોપલ વિસ્તારમાં થયેલ ફાયરિંગની ઘટનામાં કબીર એન્કલેવમાં રહેતા 41 વર્ષીય કલ્પેશ ટુંડિયા પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. કલ્પેશ ટુંડિયાના માથામાં ગોળી વાગતા મોત નિપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતક કલ્પેશ ટુંડિયાના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી હતી. પોલીસ દ્વારા હવે સુસાઈડ નોટના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફાયરિંગની ઘટના પાછળ પૈસાની લેતીદેતી હોવાનું જાણવા મળી રહ્યું છે. શેર બજારના પૈસાની લેતી દેતીમાં ફાયરિંગ થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આરોપીઓ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવા માટે નજીકના સીસીટીવી ફૂટેજ એકઠા કરવા શરૂ કર્યા છે. સાથે જ મૃતકના પરિવારજનો અને નજીકના મિત્રોના નિવેદનો પણ નોંધાઈ રહ્યા છે. જેથી હત્યાનું મૂળ કારણ બહાર આવી શકે.