ગુજરાત

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ખાસ કરીને આજે જુનાગઢ, સાબરકાંઠા સહિત 8 જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને આજે જુનાગઢ, સાબરકાંઠા સહિત ૮ જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં ઉદભવેલા ભારે કરંટના કારણે ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ

દિવસભર છૂટાછવાયા વરસાદ બાદ મોડી સાંજે ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી પટેલવાગા, ટાવર ચોક, આંબેડકર ચોક અને જૈનવાગા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત વેગા, ફરતિકુઈ, પૂડા, નડા, બોરબાર, થુવાવી અને રાજલિ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

માધવપુરના ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે માધવપુરના ઘેડ વિસ્તારમાં આવેલી ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે કડછ અને મોચા ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ પૂરના પાણીમાં એક દૂધનું ટેન્કર ફસાઈ ગયું હતું, જેમાં સવાર 11 પુરુષો અને 2 મહિલાઓ જોખમમાં મુકાયા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક એનડીઆરએફ (NDRF)ની ટીમને બોલાવવામાં આવી હતી અને તમામ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા. આ જ રસ્તા પર એક વૃદ્ધ પાણીના પ્રવાહમાં તણાયા હોવાના અહેવાલ છે, જેમની શોધખોળ ચાલુ છે. એનડીઆરએફની ટીમ દ્વારા બે બોટ અને 15 સભ્યોની ટીમ સાથે શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. હાલ પૂરતો આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. એનડીઆરએફની કામગીરીથી સ્થાનિક લોકો પણ ખૂબ જ ખુશ છે.

રાજસ્થાનમાં પણ જળબંબાકાર

ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ અનરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સવાઈ માધોપુર, બાંરા અને કોટામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે સેવાને અસર થઈ છે. વરસાદને કારણે બાંરામાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button