અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં આજે વેપારી એસો. દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે.
મૃતકના પરિવારજનો દ્વારા આરોપી સગીર તેમજ સ્કૂલ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં થયેલ વિદ્યાર્થીની હત્યાના શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ હત્યાના વિરોધમાં મણીનગરમાં અનેક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અનેક સ્કૂલો દ્વારા પણ સ્કૂલ બંધ રાખી હતી. તેમજ મૃતકના પરિવારજનો દ્વારા આરોપી સગીર તેમજ સ્કૂલ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આજે વધુ એક વેપારી એસો. દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મૃતક વિદ્યાર્થીની સારવાર અંગે VTVNEWS પાસે EXCLUSIVE માહિતી મળી હતી. મૃતક નયનને સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. 19 ઓગસ્ટે બપોરે 1:10 વાગ્યે બેભાન હાલતમાં હોસ્પિટલ લવાયો હતો. હોસ્પિટલમાં 3 કલાક સુધી સર્જરી કરવા છતા નયનને બચાવી શકાયો નહોતો. મૃતક વિદ્યાર્થીને નાભિની બાજુમાં પેટમાં ખુબ જ ગંભીર ઇજાઓ થઇ હતી. નયનને ઈજા થતા મોટા પ્રમાણમાં લોહી વહ્યું હતું. લાંબા સમય સુધી સારવાર નહી મળવાનાં કારણે મોટા ભાગનું લોહી વહી ગયું હતું. હૃદય ધીમે-ધીમે કામ કરતું બંધ થઇ ચુક્યું હતું. 20 ઓગસ્ટ સવારે 2.50 વાગ્યે નયનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેના પરથી સાબિત થાય છે કે, જો શાળા તંત્ર દ્વારા યોગ્ય સમયે વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોત તો તેનું મૃત્યુ થયું ન હોત.
: અમદાવાદની મણિનગરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો દિવસેને દિવસે વધારે ઉગ્ર બનતો જાય છે. વાલીઓ દ્વારા સતત પ્રદર્શન કરીને શાળામાં ભણતા તમામ મુસ્લિમ વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરવા માટે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ક્રાઇમબ્રાંચ દ્વારા જેમ જેમ તપાસ આગળ વધારવામાં આવી રહી છે તેમ તેમ નવા નવા ઘટસ્ફોટો થઇ રહ્યા છે.
ક્રાઇમબ્રાંચની તપાસનાં બીજા દિવસે સામે આવ્યું કે, શાળાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પ્રિન્સિપાલ ઇમેન્યુઅલને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થી પર હુમલો થયાની જાણ હોવા છતા પ્રિન્સિપાલે બહાર આવવાની તસ્દી લીધી નહોતી. શાળા સંકુલ બહાર ઘટના બની હોવાનું માનીને તેઓ પોતાની એસી ચેમ્બરમાં ખુરશી ગરમ કરતો રહ્યો હતો. જેથી વિદ્યાર્થી 50 મિનિટ કરતા પણ વધારે સમય સુધી શાળા બહાર જ પડ્યો રહ્યો અને જેનાં કારણે લોહી વધારે વહી જવાથી તેનું મોત નિપજ્યું હતું.
ગંભીર બેદરકારી દાખવવા બદલ અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા સેવન્થ ડે શાળાના પ્રિન્સિપાલ ઇમેન્યુઅલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શાળા વિરુદ્ધ ગુનો બાદ હવે પ્રિન્સિપાલ પણ લપેટાયો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટો થઇ રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ ઘટના પરથી એક પછી એક પડ ઉઘડી રહ્યા છે. ક્રાઇમબ્રાંચ જેનું પણ નામ સામે આવે તેની વિરુદ્ધ તબક્કાવાર ફરિયાદ દાખલ કરી રહી છે. તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે કાયદા નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી રહી છે. જેથી કોઇ દોષિતને ખોટી સજા ન થાય અને દોષિત હોય તે છુટ ન જાય.