જાણવા જેવું

પીએમ મોદી 29 ઓગસ્ટે જાપાન જશે, પછી SCO સમિટમાં ભાગ લેવા ચીન પહોંચશે ,

ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ, રશિયાના વડા પુતિન ઉપરાંત 17 વૈશ્વિક નેતાઓને મળશે : દુનિયાભરની નજર રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી વિદેશ પ્રવાસ પર રહેશે. જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાના આમંત્રણ પર, પીએમ મોદી 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 29-30 ઓગસ્ટ 2025 દરમિયાન જાપાનની મુલાકાત લેશે.

આ પ્રધાનમંત્રીની જાપાનની 8મી મુલાકાત અને પ્રધાનમંત્રી ઇશિબા સાથેની પ્રથમ શિખર બેઠક હશે. આ પછી, પીએમ મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનની મુલાકાતે રહેશે.

જાપાનની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને શિગેરુ ઇશિબા ભારત અને જાપાન વચ્ચેની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે. આમાં સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, ટેકનોલોજી અને નવીનતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ સાથે, બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવશે.

ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી શકાય છે 
પોતાના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં, પ્રધાનમંત્રી મોદી ચીન પહોંચશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO ) સમિટમાં ભાગ લેવા માટે 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન તિયાનજિન પહોંચશે. આ સમય દરમિયાન, પ્રધાનમંત્રી મોદી સમિટમાં ભાગ લઈ રહેલા ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી શકે છે.

પીએમ 7 વર્ષ પછી ચીનના પ્રવાસે જઈ રહ્યા છે 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ચીન મુલાકાત 7 વર્ષ પછી થશે. વર્ષ 2018 ની શરૂઆતમાં, પ્રધાનમંત્રી મોદી કિંગદાઓમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે ચીન ગયા હતા.

આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને ચીન બંને એકબીજા સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત આ સંબંધોને નવી ગતિ આપી શકે છે.

વિશ્વભરના 20 શક્તિશાળી નેતાઓ મળશે  
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) નું અત્યાર સુધીનું સૌથી મોટું સમિટ ચીનમાં યોજાવા જઈ રહ્યું છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત વિશ્ર્વભરના 20 શક્તિશાળી નેતાઓ ભાગ લેશે.

સૌથી મોટી વાત એ હશે કે આ સમિટમાં ભારત, રશિયા અને ચીન ફરી એકવાર એક પ્લેટફોર્મ પર આવશે, જેના પર વિશ્વભરના દેશો, ખાસ કરીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજીકથી નજર રહેશે.

કોણ કોણ ભાગ લઈ રહ્યું છે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી – ભારત, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન – રશિયા, રાષ્ટ્રપતિ શી જિનપિંગ – ચીન, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન – ઈરાન, નાયબ વડા પ્રધાન ઇશાક દાર – પાકિસ્તાન, રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆન – તુર્કી, વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ – મલેશિયા, સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ – સંયુક્ત રાષ્ટ્ર

ભારત અને ચીન વચ્ચે નવા સંબંધ : 
ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે ગુરુવારે જણાવ્યું હતું કે આ મહિનાના અંતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે “ખૂબ જ મહત્વપૂર્ણ” રહેશે. તેમણે કહ્યું કે ચીન પીએમ મોદીની મુલાકાતને “ખૂબ મહત્વ” આપે છે.

મીડિયા સાથે વાત કરતા ફેઇહોંગે કહ્યું, “વડાપ્રધાન મોદીની ચીન મુલાકાત માત્ર SCO માટે જ નહીં પરંતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના બનશે. ચીન અને ભારતનું એક કાર્યકારી જૂથ આ મુલાકાતને સફળ બનાવવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. અમે આ મુલાકાતને ખૂબ મહત્વ આપીએ છીએ.”

News Click 24

Poll not found

Related Articles

Back to top button