ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે ,
રાજ્યના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 28 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાંક અઠવાડિયાથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. જોકે, હવે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે એવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે, પરંતુ ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા બહુ ઓછી છે.
હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ વરસાદ તો પડશે પરંતુ તે છૂટો-છવાયો અને હળવો રહેશે. તેમ છતાં તકેદારીના ભાગરૂપે માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગની વિગતવાર માહિતી મુજબ ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનારે નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને આવતા બે દિવસમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ હરિયાણા અને ઉત્તરપૂર્વ રાજસ્થાન પર અપર એર સર્ક્યુલેશન પણ સક્રિય છે. મોન્સૂન ટ્રફ હાલમાં ગંગાનગરથી લઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલું છે.
ગુજરાત માટેની આગાહી મુજબ 27 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. માત્ર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં માત્ર છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.
28 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીવત્ત છે. 29 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં જ ભારે વરસાદની આગાહી છે. બાકીના સમગ્ર ગુજરાતમાં માત્ર છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.
30 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. બાકીના જિલ્લાઓમાં વરસાદની શક્યતા બહુ ઓછી રહેશે. આગામી સાત દિવસ ગુજરાતમાં મેઘરાજા છૂટાછવાયા ઝાપટા વરસાવતા રહેશે, પરંતુ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગે ખેડૂતો અને માછીમારોને તકેદારી રાખવા સૂચના આપી છે.