અમેરિકા તરફથી 50% સુધીનો ટેરિફ લાદવામાં આવતાં સુરત સહિત ગુજરાતના હીરા ઉદ્યોગ પર વિપરીત અસર જોવા મળી રહી છે ,
વિશ્વના દરેક 10માંથી 9 હીરા ગુજરાતમાં કટ અને પોલિશ થાય છે, એ હકીકતના સંદર્ભમાં ટેરિફનો નિર્ણય હીરા ઉદ્યોગ માટે મોટી ખલેલ તરીકે ઉભર્યો

અમેરિકા તરફથી 50% સુધીનો ટેરિફ લાદવામાં આવતાં સુરત સહિત ગુજરાતના હીરા ઉદ્યોગ પર વિપરીત અસર જોવા મળી રહી છે. વિશ્વના દરેક 10માંથી 9 હીરા ગુજરાતમાં કટ અને પોલિશ થાય છે, એ હકીકતના સંદર્ભમાં આ નિર્ણય હીરા ઉદ્યોગ માટે એક મોટી ખલેલ તરીકે ઉભર્યો છે. મહત્વનું છે કે, ટ્રમ્પ ટેરિફ ને કારણે ગુજરાતમાં અંદાજે 1 લાખ લોકો બેરોજગાર બનશે. જોકે રાહતની વાત એ છે કે, ફાર્મસી, એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર ટ્રમ્પ ટેરિફ થી બાકાત છે.
ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયા જણાવે છે કે, 100 ટકા માલ પર ટેરિફ ઉમેરવામાં આવે અને જો કુલ ખર્ચ 150 ટકા સુધી જાય, તો વેપારીઓ માટે આ ખરીદી શક્ય રહેશે નહીં. તેમણે ઉમેર્યું કે, કોઈ પણ વેપારી 150 ટકાના ખર્ચ સાથે ટકાવી શકતો નથી, જેના કારણે જોબ વર્ક અને રત્નકલાકારોની રોજગાર પર સીધી અસર થવાની શક્યતા છે.
હાલની પરિસ્થિતિમાં ઉદ્યોગકારો પાસે કોઈ વિકલ્પ નથી. નાવડિયાએ કહ્યું કે, “અમેરિકા સિવાય નવા બજાર ન મળે ત્યાં સુધી આ સંકટ સહન કરવું પડશે.” તેમણે ઉલ્લેખ કર્યો કે UK, UAE, રશિયા, ચાઇના, અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે નવા માર્કેટ વિકસાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને UK, UAE અને ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયેલ હોવાથી, તેમાં આશાનું કિરણ જોવા મળે છે.
ટ્રેડ એક્સપર્ટ હિરેન ગાંધીના જણાવ્યા મુજબ, ભારત દર વર્ષે લગભગ $83 બિલિયનનું નિકાસ અમેરિકા તરફ કરે છે જેમાં ફાર્મસી, એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર ટેરિફમાંથી બાકાત છે. જોકે હીરા, ગાર્મેન્ટ, ટેક્સટાઇલ અને સીફૂડ ઉદ્યોગોને સીધી અસર થશે. તેમણે જણાવ્યું કે, IT ક્ષેત્રની 60 ટકા આવક અમેરિકા પરથી થાય છે પણ મસાલા જેમ કે જીરું અને હળદર માટે વિશ્વમાં ભારત સિવાય વિકલ્પો ખૂબ જ ઓછા છે. એટલે તેઓની માંગ યથાવત રહેશે.