કોંગ્રેસના મંચ પરથી મારી મા ને ગાળ દેવાઈ એ દેશની માતાઓનું અપમાન: મોદી
વડાપ્રધાનની પ્રથમ પ્રતિક્રિયા: મારા જેટલી જ પિડા બિહારના લોકોના દિલમાં છે; હું માફ કરી દઈશ પણ બિહારની માતા-બહેનો માફ નહી કરે

બિહારમાં વિપક્ષોની એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબેનને માટે બોલાયેલા અપશબ્દો તથા અભદ્ર ભાષાના ઉપયોગ પર પ્રથમ વખત પ્રતિભાવ આપતા વડાપ્રધાન શ્રી મોદીએ પોતાનું દર્દ બિહારના લોકો સમક્ષ દર્શાવતા કહ્યું કે મારા માતાએ મને દેશ સેવા કરવા મોકલ્યો, મારી મા ને રાજકારણ સાથે કઈ લેવાદેવા ન હતા છતા મારા સ્વર્ગીય માતાને કોંગ્રેસના મંચ પરથી ગાળો આપવામાં આવી હતી. શ્રી મોદી બિહારમાં જિવિકા નિધિ ક્રેડીટ કોઓપરેટીવ ફેડરેશન લી.ના ઉદઘાટન કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સથી સંબોધતા કહ્યું કે આ ફકત મારા માતાનું જ અપમાન નથી પણ દેશની મા-બહેનોનું પણ અપમાન છે. બિહારની જનતા તેનો જવાબ આપશે.
શ્રી મોદી દર્દભર્યા સંબોધનમાં કહ્યું કે મા જ આપણો સંસાર હોય છે. મા જ આપણો સ્વાભીમાન હોય છે. બિહારમાં થોડા સમય પુર્વે જે બન્યું તેની કલ્પના કરી શકાય તેમ નથી. મારી માતા તો આજે દુનિયામાં નથી. થોડા સમય પુર્વે જ તેનું 100 વર્ષે નિધન થયું હતું. મારી માતાને રાજનીતિ સાથે કશું લાગતું વળગતું ન હતું એ માતાને કોંગ્રેસ-રાજદના મંચ પરથી ગાળો દેવાઈ આ બહું કષ્ટ-પીડા આપનારુ છે એ માનો શું ગુન્હો કે તેને ગંદી ગાળો દેવામાં આવી! મારી મા ને ગાળો દેવી એ બિહારનું અપમાન છે. મારી માતાનું સન્માન એ બિહારની ઓળખ છે.
તેઓએ કહ્યું કે મારી માએ બહુ કષ્ટ સહન કર્યા હતા. મોદીએ કહ્યું કે આજથી 20 દિવસ પુર્વે નવરાત્રી શરૂ થાય છે તેના 50 દિવસ બાદ છઠ્ઠી મૈયાની પૂજા છે. બિહારની જનતા સામે હું મા ને ગાળો દેનારને કહેવા માંગુ છું. મોદી તો તમને એક વખત માફ કરી દેશે પણ ભારતની ધરતી એ કદી માંનુ અપમાન સહન કર્યુ નથી તેની કોંગ્રેસ-આરજેડીએ છઠ્ઠી મૈયાની માફી માંગી લેવી જોઈએ.
મોદીએ કહ્યું કે રાજદ-કોંગ્રેસના નેતાઓ જયાં પણ જાય તેઓને એક અવાજ સંભળાવી જોઈએ કે માની ગાળ સહન કરવામાં નહી આવે નહી આવે. ઈજજત પર પ્રહાર નહી સહન કરવામાં આવે. તેઓએ કહ્યું કે માનો ગાળો આપનાર એવું માને છે કે મહિલાઓ કમજોર હોય છે પણ અમારી સરકારે મહિલાઓના સશક્તિકરણને પ્રાથમીકતા આપી છે.
► મોદીના દર્દભર્યા શબ્દો
* મા જ સંસાર અને સ્વાભીમાન હોય છે.
* બિહારમાં જે બન્યુ તેની કલ્પના પણ થઈ શકે નહી.
* મારી માતાને રાજકારણ સાથે કશું લેવાદેવા નહી છતા તેના માટે ગંદી ગાળો અપાઈ
* મારી મા નો વાંક શું હતો!
* બિહારની દરેક ગલીમાંથી અવાજ આવવો જોઈએ કે માનું અપમાન સહન નહી કરાય