ભારત અને અમેરિકા વચ્ચેનુ ટેરિફવોર વધુને વધુ ગંભીર ; આયાતી દવા પર ટ્રમ્પ 200 ટકા ટેરિફ ઝીંકશે ,
દરખાસ્ત તૈયાર: અમેરિકામાં દવાની અછત-ભાવ વધવાની ભીતિ: 25 ટકા ટેરિફમાં પણ દવા 10થી14 ટકા મોંઘી થઈ જાય છે

ભારત અને અમેરિકા વચ્ચેનુ ટેરિફવોર વધુને વધુ ગંભીર વળાંક લઈ રહ્યુ છે ત્યારે હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફાર્મા ક્ષેત્રને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. આયાતી દવાઓ પર 200 ટકા ટેરિફ ઝીંકવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેને પગલે ભારતીય ફાર્મા કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે.
નિષ્ણાંતોએ જો કે, એવી લાલબતી ધરી છે કે સૂચિત કદમને કારણે દવાઓની સપ્લાય ખોરવાવાની, ભાવ વધવાની તથા અછતની પરીસ્થિતિ સર્જાવાની ભીતિ છે. આ કદમને વ્યાજબી ઠેરવવા માટે ટ્રેડ એકસપાન્સન એકટ 1962ની કલમ 232 હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા લાગુ કરવામાં આવશે. કોવિડમાં જેમ ઘરઆંગણે ઉત્પાદન વધારીને સ્ટોક કરાયો હતો તેવુ કરવા કંપનીઓને કહેવાશે.
અમેરિકાએ તાજેતરમાં ફાર્મા સહિતની કેટલીક યુરોપિયન ચીજો પર 15 ટકા ટેરિફ લાગુ કર્યા જ હતા અને અન્ય આયાત પર વધુ આકરી ટેરિફ લાદવાની ચેતવણી આપી જ હતી.
વ્હાઈટ હાઉસ દ્વારા એમ કહેવામાં આવ્યુ હતું કે લોકલ કંપનીઓ ઉત્પાદન એડજસ્ટ કરી શકે તે માટે ટેરિફમાં ટ્રીલ કરવામાં આવી છે. અનેક કંપનીઓએ આયાત વધારીને સ્ટોક કરી જ દીધો છે. 6થી18 મહિના સુધી સપ્લાયને વાંધો ન આવે તેટલી માત્રામાં દવાઓની આયાત કરી લેવામાં આવ્યાનો નિષ્ણાંતોનો દાવો છે.
જાણકારોએ એમ કહ્યું કે 2026 સુધી ટેરિફ લાગુ ન થાય તેવી ચીજોની સપ્લાય 2027-2028 સુધી પ્રભાવિત થાય તેમ નથી. સપ્લાય ખોરવાય તો પણ મામુલી હતી. જો કે, લાંબાગાળામાં લોકલ સપ્લાય વધવા લાગશે.
કેટલાંક નિષ્ણાંતો એવી ભીતિ દર્શાવે છે કે ઉંચા ટેરિફથી ગ્રાહકોને મોંઘવારીનો ડામ લાગશે. દવાઓ મોંઘી થવાની સાથોસાથ વીમા પ્રીમીયમ પણ વધી જશે. વૃદ્ધો તથા નબળા વર્ગના લોકોને સૌથી વધુ સહન કરવુ પડશે.
ટેરિફ 25 ટકા વધે તો પણ દવા 10થી 14 ટકા મોંઘી થઈ શકે છે તો 200 ટકા ટેરિફ ઝીંકાય તો કેવી હાલત થાય તે સવાલ છે. નાના-ઓછા નફા-માર્જીનમાં ધંધો કરનારા ઉંચા ટેરિફ સહન કરી શકે તેમ નથી.
► દાયકાઓથી ભારત-ચીન જેવા દેશોની દવા પર અમેરિકા નિર્ભર
અમેરિકામાં વેચાતી દવાઓમાં ભારતમાં ઉત્પાદીત દવાનો મોટો હિસ્સો છે. દાયકાઓથી ભારત-ચીન ઉપરાંત નીચા કરવેરા ધરાવતા આયરલેન્ડ, સ્વીટઝરલેન્ડમાંથી આયાત કરે છે. ફાર્મા ક્ષેત્રે અમેરિકાની વેપાર ખાધ ગત વર્ષે 150 અબજ ડોલરની હતી. 97 ટકા એન્ટીબાયોટીકસ, 92 ટકા એન્ટીવાયરલ તથા 83 ટકા જાણીતી જેનેરિક દવાનું ઉત્પાદન વિદેશમાં થાય છે અર્થાત આયાત થતી હોય છે.
►મોટી કંપનીઓ અમેરિકામાં રોકાણ-ઉત્પાદન વધારવા લાગી
ઘરઆંગણે જ દવાઓનું ઉત્પાદન વધારવાના ટ્રમ્પના વ્યુહના ભાગરૂપે મોટી કંપનીઓએ જંગી રોકાણ જાહેર કરવાનુ શરૂ કરી જ દીધુ છે. જોનસન એન્ડ જોનસને 55 અબજ ડોલરનુ રોકાણ જાહેર કર્યુ છે. રોમ દ્વારા 50 અબજ ડોલરનું રોકાણ જાહેર કરાયુ છે. જો કે, એવો દાવો છે કે ‘ઈન્ટીગ્રેન્ટસ’નુ તત્કાળ ઉત્પાદન શકય નથી.