રાજકોટમાં આજે ‘ઑપરેશન જંગલેશ્વર’,મનપાના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન
રાજકોટમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન 'ઓપરેશન જંગલેશ્વર' શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી હેઠળ જંગલેશ્વર વિસ્તારમાં દબાણ પરના 1,198 મકાનો તોડી પાડવામાં આવશે.
રાજકોટમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ‘ઓપરેશન જંગલેશ્વર’ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી હેઠળ જંગલેશ્વર વિસ્તારમાં દબાણ પરના 1,198 મકાનો તોડી પાડવામાં આવશે અને અંદાજે 87,000 ચોરસ મીટર જગ્યા ખુલી કરવામાં આવશે.
વહીવટી અને સુરક્ષા આયોજન
આ ઓપરેશનને સફળ બનાવવા માટે મનપા અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે:
- સુરક્ષા વ્યવસ્થા: સ્થળ પર 1500થી વધુ પોલીસ જવાનો અને અર્ધ લશ્કરી દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
- મોનિટરિંગ: સમગ્ર વિસ્તાર પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
- ઝોન વ્યવસ્થા: ડિમોલિશનની કામગીરી માટે જંગલેશ્વરને 7 ઝોનમાં વિભાજિત કરી દરેક ઝોનમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
- કંટ્રોલરૂમ: નીલકંઠ ટોકીઝ સામે વિશેષ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે, જ્યાંથી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ IAS અને IPS અધિકારીઓ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.
વર્તમાન સ્થિતિ અને પોલીસ નિવેદન
DCP હેતલ પટેલે (ઝોન-1) જણાવ્યું હતું કે, ડિમોલિશનની કામગીરી વિવિધ વિભાગોના સંકલન સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. સુરક્ષાના ભાગરૂપે અને શાંતિ જળવાઈ રહે તે માટે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, તંત્રની કડક કાર્યવાહી પહેલા જ 1,000 થી વધુ મકાનો લોકોએ સ્વૈચ્છિક રીતે ખાલી કરી દીધા હતા.
મનપા કમિશનર તુષાર સુમેરા વિશેષ કંટ્રોલરૂમથી સમગ્ર ‘ઓપરેશન જંગલેશ્વર’નું સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી 1130 થી વધુ સ્ટાફની ટીમો રવાના કરવામાં આવી હતી. આ કામગીરીમાં શહેરના તમામ IAS અને IPS અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે, જ્યારે ચાર સિટી ઇજનેરોની અધ્યક્ષતામાં 7 ટીમો દ્વારા બુલડોઝરની મદદથી ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
કઈ કઈ જગ્યાએ ડિમોલિશન થશે
- એકતા કોલોની શેરી નંબર 4 થી જંગલેશ્વર શેરી નંબર 2 સુધી
- જંગલેશ્વર શેરી નંબર-2 થી જંગલેશ્વર શેરી નંબર- 22 સુધી
- જંગલેશ્વર શેરી નંબર-22 થી જંગલેશ્વર શેરી નંબર-29-30 સુધી
- સરદાર પટેલ સ્મશાનથી જંગલેશ્વર શેરી નંબર-15 સુધીનો 1500 મીટર પહોળાઈનો રસ્તો
- જંગલેશ્વર શેરી નંબર-15 થી બુદ્ધનગર શેરી નંબર-1
- બુદ્ધનગર શેરી નંબર-, જયભીમરાવ ચોકથી રાધા કૃષ્ણનગર શેરી નંબર-18 સુધી
- રાધા કૃષ્ણનગર શેરી નંબર-18 થી (પૂજા પાર્ક) નાડોદા નગર મેઈન રોડ સુધી

રાજકોટમાં આજે ‘ઑપરેશન જંગલેશ્વર’,મનપાના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન



