જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, અથડામણમાં 5 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુપવાડા જિલ્લામાં એક ઓપરેશનમાં સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી છે. મળતી માહિતી મુજબ, ગુપ્ત માહિતીના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આજે સવારે આ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં આ તમામ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ અગાઉ સુરક્ષા દળોએ બહરાબાદ હાજિનમાં લશ્કર-એ-તોયબાના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. સુરક્ષા દળોએ તેની પાસેથી બે ચાઈનીઝ હેન્ડગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. બાંદીપોરા પોલીસ, 13 RR અને CRPF 45 બીએન બટાલિયન દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, આર્મ્સ અને UAPA એક્ટ હેઠળ આ આતંકવાદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
અગાઉ મંગળવારે એલઓસી પર કુપવાડા જિલ્લાના ડોબાનાર માછિલ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષાદળોએ સ્થળ પરથી બે એકે રાઈફલ અને ચાર હેન્ડ ગ્રેનેડ સહિત શસ્ત્રો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો.
1 જૂને લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓની ધરપકડ
આ અગાઉ 1 જૂનના રોજ, સુરક્ષા દળોએ જમ્મુ – કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં લશ્કર-એ-તોયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને વારીપોરા ગામમાં આતંકવાદીઓની હિલચાલ થતી હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન બે શકમંદોએ સુરક્ષાકર્મીઓને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને ઝડપી લેવાયા હતા.