સુપ્રીમ કોર્ટ પહોંચી અતિકની બહેન આયેશા, ભાઈની હત્યા અને ભત્રીજા અસદના એન્કાઉન્ટરને ગણાવ્યું શંકાસ્પદ

ગેંગસ્ટરમાંથી માફિયા અને તેમાંથી નેતા બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યાની તપાસ માટે હવે તેની બહેન આયેશા નૂરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અતીકના પુત્ર અસદના એન્કાઉન્ટરને પણ શંકાસ્પદ ગણાવવામાં આવ્યું છે. પોતાની અરજીમાં આયેશાએ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના માટે માંગ કરી છે.
આ વર્ષે 15 એપ્રિલે મોડી રાત્રે, ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને પ્રયાગરાજમાં તબીબી સારવાર માટે લઈ જવામાં આવતાં હતા ત્યારે ગોળી મારીને તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેના થોડા દિવસ પહેલા જ અતિકના પુત્ર અસદ અહેમદનું ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને જ્યારે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતાં ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે અતીક અહેમદ બસપા ધારાસભ્ય ઉમેશ પાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી હતો.
પોલીસ અને મીડિયાની હાજરીમાં હુમલો
પોલીસ ટીમ કડક સુરક્ષા હેઠળ અતિક અહેમદ અને તેના ભાઈને લઈ જઈ રહી હતી ત્યારે પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલ પાસે હુમલો થયો હતો. દરમિયાન ત્રણ-ચાર હુમલાખોરો અચાનક વચ્ચે આવી ગયા હતા અને આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે હુમલાખોરોને સ્થળ પર જ ઝડપી લીધા હતા. આ સમગ્ર હુમલો પોલીસ અને મીડિયાની હાજરીમાં જ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે 28 એપ્રિલે સુપ્રીમ કોર્ટે આ મામલામાં વિશાલ તિવારી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. પીઆઈએલ પર સુનાવણી માટે 3 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે. એડવોકેટ વિશાલ તિવારીએ તેમની અરજીમાં 2017થી ઉત્તર પ્રદેશમાં થયેલા તમામ 183 એન્કાઉન્ટરોની તપાસની પણ માંગ કરી છે.