ગુજરાતમાં 80 ટકા GST 1.3 ટકા કરદાતા જ ચુકવે છે
2022-23માં રાજયની GST આવક 23 ટકા વધીને 56064 કરોડ

ગુજરાતનું જીએસટી કલેકશન 50000 કરોડથી અધિક થઈ ગયું છે ત્યારે 80 ટકા વસુલાત માત્ર 1.3 ટકા કરદાતાઓ પાસેથી જ આવતી હોવાનો રિપોર્ટ જારી થયો છે તેના આધારે રાજયમાં મોટા ઉદ્યોગ કરદાતાઓની સંખ્યા વધી રહ્યાના સંકેત છે.
ગુજરાતમાં કુલ 11.44 લાખ જીએસટી કરદાતા છે. તેમાંથી 80 ટકા વસુલાત માત્ર 15000 કરદાતાઓ પાસેથી જ થાય છે. ટોપ-10 કરદાતામાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ડીયન ઓઈલ, અલ્ટ્રાટેક સીમેન્ટ, એસ્સાર સ્ટીલ, સુઝુકી મોટર્સ, હિન્દાલ્કોની બિરલા કોપર, સેઈલ, એલઆઈસી તથા ઓએનજીસીનો સમાવેશ થાય છે. આ દસ કંપનીઓએ 2022-23ના નાણાંવર્ષમાં 7339 કરોડને જીએસટી ચુકવ્યો હતો. જે રાજયની કુલ જીએસટી આવકના 13 ટકા થવા જાય છે.
જીએસટી વિભાગના જ વિશ્લેષણ રીપોર્ટીંગ દર્શાવ્યા પ્રમાણે 2022-23માં રાજયની કુલ જીએસટી વસુલાત 56064 કરોડ રહી હતી. 2021-22ની 45434ની સરખામણીએ તેમાં 23 ટકાનો વધારો હતો. ગુજરાત ઔદ્યોગીક રાજય છે અને અનેક મોટી કંપનીઓનું મથક છે. જીએસટીની વધતી આવક વધતા ઔદ્યોગીક વિકાસ તથા સમૃદ્ધિનો પણ પુરાવો છે.
સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાતની અમુક કંપનીઓનો રાષ્ટ્રીય આવકમાં પણ મોટો ફાળો છે. કારણ કે સીજીએસટી તથા આઈજીએસટી કેન્દ્રની તિજોરીમાં જમા થતા હોય છે. સૌથી વધુ ટેકસ ચુકવતા 15000 કરદાતાઓ નિયમોનું યોગ્ય પાલન કરે છે કે કેમ તેના પર સતત મોનીટરીંગ થાય છે.
જીએસટી અધિકારીઓએ કહ્યું કે, નિયમપાલનમાં ગુજરાતના કરદાતાઓ મોખરે છે. 98.46 ટકા કરદાતાઓએ ગત નાણાંવર્ષમાં રીટર્ન ફાઈલ કર્યા હતા તેમાંથી 85.48 ટકાએ સમયસર રિટર્ન ફાઈલ કર્યા હતા.