2 જુલાઈ સુધી રાજ્યમાં છોતરા કાંઢી નાંખશે વરસાદ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલ અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે.

હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ મેઘમહેર ચાલુ રહે તેવી શક્યતા છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. 2 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 8થી 12 જુલાઈ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમા છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય પૂર્વ કચ્છમાં મેઘરાજા મહેરબાન રહ્યા હતા. પૂર્વ કચ્છના અંજારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અંજારમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી અંજાર અને જૂનાગઢ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો ઇંચ વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં નવ ઈંચ, સુરતના મહુવામાં નવ ઈંચ, તાપીના વ્યારામાં પોણા આઠ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં પોણા આઠ ઈંચ , તાપીના ડોલવણમાં સાડા સાત ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા સાત ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.