રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, ગુજરાતની 3 સહિત 10 બેઠકો પર 24 જુલાઈએ થશે મતદાન
પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની એક બેઠક માટે મતદાન થશે

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આવતા મહિને 24 જુલાઈએ ગુજરાતની ત્રણ સહિત રાજ્યસભાની 10 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેના માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 13 જુલાઈ ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હશે. ફોર્મ ભર્યા બાદ 14મી જુલાઈના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જુલાઈને જ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. 24મી જુલાઈના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની એક બેઠક માટે મતદાન થશે. ગુજરાતના રાજ્યસભા સાંસદ અને વિદેશ મંત્રી એસ. જયશંકર, દિનેશ જમલભાઈ અનાવડિયા અને લોખંડવાલા જુગલ સિંહ માથુરજીનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડેરેક ઓ’બ્રાયન, ડોલા સેન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રેનો કાર્યકાળ પણ 18 ઓગસ્ટે જ સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત, ગોવાના વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
અહેવાલો અનુસાર ભાજપ વિદેશ મંત્રી એસ. જયશંકરને રિપીટ કરશે અને બે નવા ચહેરાઓને તક આપે તેવી શક્યતા છે. ગુજરાતની ત્રણેય બેઠકો પર ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી લડવાની તક નહીં મળે તેવું આ પહેલીવાર થશે.
ધારાસભ્યોની સંખ્યા 45 હોવી જોઈએ
ગુજરાત વિધાનસભાની વર્તમાન સ્થિતિ જોઈએ તો પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી લડવી હોય તો 182 બેઠકોના આધારે પાર્ટી પાસે ઓછામાં ઓછા 45 ધારાસભ્યો હોવા જરૂરી છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે. આ જોતાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ લડે તેવી શક્યતા નહિવત છે. ગુજરાતના ત્રણ રાજ્યસભાના સભ્યોનો 6 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેથી જ 3 બેઠકો માટે ચૂંટણી યોજવી પડશે. વિદેશ મંત્રી એસ જયશંકર, જુગલ ઠાકોર, દિનેશ અનાવડિયાનો કાર્યકાળ આ વર્ષે ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.
કોંગ્રેસને પાંચ વર્ષ સુધી એક પણ બેઠક નહીં મળે
એટલું જ નહીં ગુજરાત કોંગ્રેસને આગામી પાંચ વર્ષ સુધી રાજ્યસભામાં એક પણ બેઠક નહીં મળે. રાજ્યસભાના ચાર સાંસદોનો કાર્યકાળ આવતા વર્ષે એપ્રિલમાં પૂરો થવાનો છે. જેમાં કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા અને અમી યાજ્ઞિકના નામ સામેલ છે. કોંગ્રેસને આ બે બેઠકો પર પણ હારનો સામનો કરવો પડશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી છે. જેના કારણે કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને પડકાર આપી શકશે નહીં. ગત ટર્મ કરતા આ વખતે કોંગ્રેસની તાકાત પણ ઘટી છે. તેથી જ રાજ્યસભાની ચૂંટણી જીતવામાં ભાજપને કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.