1 જુલાઈથી બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે
LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા $ ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં થશે આ ફેરફાર $ CNG – PNGની કિંમત

આજે જૂન મહિનાની છેલ્લી તારીખ છે, આવતીકાલથી નવો મહિનો શરૂ થશે, નવા મહિનામાં ઘણી વસ્તુઓના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે. 1 જુલાઈથી એટલે કે જુલાઈ મહિનાના પહેલા દિવસે, વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે થતાં ફેરફારની અસર તમારા ખિસ્સા પર પડશે. નોંધપાત્ર વાત એ છે કે દર મહિનાની પહેલી તારીખે ઘણી વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય છે. આ ફેરફારમાં ગેસ સિલિન્ડરની કિંમત અને CNG-PNGની કિંમતનો સમાવેશ થાય છે. જાણો 1 જુલાઈથી તમારા ખિસ્સા પર કેવી અસર પડશે.
LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. એપ્રિલ, મે અને જૂનમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લાં કેટલાંક મહિનાથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી આ વખતે એવી અપેક્ષા છે કે કોમર્શિયલ સાથે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ પણ નીચે આવી શકે છે. આમ થશે તો સામાન્ય લોકોને મોટી રાહત થશે, તેથી જ સામાન્ય લોકો મહિનાના પહેલા દિવસની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે.
ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં થશે આ ફેરફાર
TCS ફી 1લી જુલાઈ 2023 થી વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ પર લાગુ થઈ શકે છે. તે મુજબ, જો તમારો ખર્ચ રૂ. 7 લાખ કે તેથી વધુ છે, તો તમારે 20% TCS ચૂકવવો પડશે. પરંતુ જો તમે શિક્ષણ અને સારવાર પાછળ ખર્ચ કર્યો હશે, તો આ ચાર્જ ઘટાડીને 5% કરવામાં આવશે. વિદેશમાં શિક્ષણ માટે લોન લેતા કરદાતાઓએ રૂ.7 લાખથી વધુની રકમ પર 0.5% TCS ચાર્જ ચૂકવવો પડશે.
CNG – PNGની કિંમત
મહિનાના પહેલા દિવસે અથવા પહેલા અઠવાડિયામાં એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવોમાં ફેરફાર થાય છે. દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોની ઓઈલ કંપનીઓ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ CNG-PNGના દરમાં ફેરફાર કરે છે. એવું માનવામાં આવે છે કે આ મહિને પણ ફેરફાર થઈ શકે છે.