મહારાષ્ટ્ર બાદ યુપી અને બિહારમાં ભાજપ કરી શકે છે મોટો ખેલ, આ નેતાઓના નિવેદનથી રાજકારણ ગરમાયું
NCPમાં બળવા બાદ વિપક્ષી એકતાને મોટો ઝટકો લાગ્યો

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ એક થવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ, મહારાષ્ટ્રના રાજકારણમાં NCPમાં બળવા બાદ વિપક્ષી એકતાને મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ, આ દરમિયાન કેટલાંક નેતાઓએ એવાં નિવેદન આપ્યા છે, જેના પછી અન્ય રાજ્યોમાં પણ શું આ પ્રકારની રાજકીય રમત રમાશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશના ભાગીદાર ઓમ પ્રકાશ રાજભર અને બિહારના બીજેપી સાંસદ સુશીલ મોદીએ નિવેદનો આપ્યા છે કે ટૂંક સમયમાં જ આ બંને રાજ્યોમાં મોટી રાજકીય રમત રમાય તેવી સંભાવના છે.
ઓમ પ્રકાશ રાજભરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ મોટી હેરફેર થવાની છે. સમાજવાદી પાર્ટીના ઘણાં ધારાસભ્યો અને સાંસદોએ પાર્ટી છોડી દીધી છે અને કેટલાંક સરકારના વિસ્તરણમાં સામેલ થવા માંગે છે, કેટલાંક છે જે લોકસભાની ટિકિટ માંગે છે. તેઓ દિલ્હી સુધી પોતાનો રસ્તો બનાવી રહ્યા છે. તેઓ અખિલેશ યાદવના વલણથી નારાજ છે. આ લખનૌમાં મુસ્લિમો ચાર છાવણીમાં વહેંચાઈ ગયા છે, હવે મુસ્લિમો પણ ભાજપને મત આપી રહ્યા છે, માયાવતીની સાથે પણ છે. તમે જ્યારે નોકરીઓ વહેંચશો ત્યારે તમે તે મુસ્લિમોને નહીં આપો. દરેક વર્ગ આ બાબતે નારાજ છે. માયાવતીને મોરચામાં લેવામાં આવે તેમ કોંગ્રેસ પણ ઈચ્છે છે.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બીજેપી સાંસદ સુશીલ મોદીના કહેવા પ્રમાણે, બિહારમાં પણ બળવાની સ્થિતિ સર્જાઈ રહી છે કારણ કે નીતિશ કુમારે છેલ્લાં 17 વર્ષમાં ક્યારેય ધારાસભ્યો અને સાંસદોને મળવાનો સમય આપ્યો નથી. લોકોને આખું વર્ષ રાહ જોવી પડતી હતી. હવે તેઓ દરેક ધારાસભ્ય અને સાંસદને 30 મિનિટ આપી રહ્યા છે. જ્યારથી નીતિશ કુમારે આગામી લડાઈ માટે રાહુલ ગાંધીને નેતા તરીકે સ્વીકાર્યા અને તેજસ્વી યાદવને તેમના અનુગામી બનાવ્યા ત્યારથી જનતા દળમાં બળવાની સ્થિતિ છે.
આરજેડીના વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે ભાજપ નેતા સુશીલ મોદીના બળવા અંગેના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અમે સાંભળ્યું છે કે બધાં એવી ચર્ચા કરી રહ્યા છે કે બિહારના સાંસદોને તોડો, સાંસદોને બહાર કાઢો. બિહાર ક્યાં ડગમગે છે, અમે બિહારને હલવા નહીં દઈએ. બિહાર હલશે નહીં પરંતુ, બિહારમાંથી તેમનો સફાયો થવાનું નિશ્ચિત છે. અમે બધા એક છીએ, એટલે જ ભાજપના લોકોને ગભરામણ થઈ રહી છે.