CR પાટીલ કેન્દ્રમાં ગયા તો આ દિગ્ગજ મંત્રીને સોંપાઇ શકે ગુજરાતનું સુકાન, જાણો અન્ય કયા નામો રેસમાં
હવે ગુજરાત અને MPમાં સરપ્રાઈઝ આપશે ભાજપ

લોકસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે રાજકારણમાં ફેરફારનો દોર પણ શરૂ થઈ ગયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ગુજરાત વિધાનસભાની સફળ કામગીરીને લઈ હવે લોકસભાની ચૂંટણી ચોક્કસ લડશે, પરંતુ હવે તેમનો કાર્યકાળ પૂરો થતો હોવાની વાત પણ સામે આવી છે તો હવે ગુજરાતના નવા પ્રમુખ કોણ હશે તે દિશામાં પણ ચર્ચા ચાલી રહી છે.
જે.પી નડ્ડા અને મનસુખ માંડવીયા વચ્ચે યોજાઈ બેઠક
એક માહિતી મુજબ ભાજપે ગઈકાલે પંજાબ સહિત 4 રાજ્યોના પ્રદેશ પ્રમુખોને બદલ્યા છે. પરંતુ આ યાદીમાં ગુજરાતનું નામ નહોતું, જેના કારણે એવી અટકળો તેજ થઈ ગઈ હતી કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદે સી.આર પાટીલ યથાવત રહેશે. પરંતુ આજે જે.પી નડ્ડા અને મનસુખ માંડવીયા વચ્ચે 40 મિનિટ સુધી બેઠક યોજાઈ, જેમાં ગુજરાતનો મુદ્દો કેન્દ્ર સ્થાને હતો.
ભાજપકરી શકે છે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત
2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના સંગઠનમાં મોટો ફેરબદલ શરૂ થઈ ગયો છે. હવે એવા સમાચાર છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને મધ્ય પ્રદેશમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે. એટલું જ નહીં ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને ભરત બોઘરાનું નામ પણ રેસમાં ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશમાં પ્રદેશ અધ્યક્ષ પદ માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીયનું નામ ચાલી રહ્યું છે. આ સાથે જ પ્રહલાદ પટેલ અને સુમરેસિંહ સોલંકીના નામ પણ ચર્ચામાં છે.
PMના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાની રણનીતિ મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ પીએમ મોદીની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંગઠન મંત્રી બીએલ સંતોષ પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં સંગઠનની સાથે સાથે સરકારમાં પણ ફેરબદલ થશે તેવી ચર્ચા કરવામાં આવી હતી.