હું રાજીનામું નહીં આપું, 2024માં પણ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે એકનાથ શિંદેનું મોટું નિવેદન
મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે સીએમ શિંદેએ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે. અજિત પવાર જૂથ સરકારમાં જોડાયા બાદ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એક તરફ જ્યાં અજીત અને શરદ જૂથે પોતપોતાના કેમ્પના નેતાઓની બેઠક બોલાવી રહ્યા છે તો હવે એવામાં સીએમ શિંદેએ પણ ગઇકાલે સાંજે તેમના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી.
હું રાજીનામું નથી આપી રહ્યો – એકનાથ શિંદે
મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ બાદ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે શું એકનાથ શિંદે મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે. બેઠક દરમિયાન એકનાથ શિંદેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું રાજીનામું નથી આપી રહ્યો અને મને એ પણ ખબર છે કે આવા સમાચાર કોણ ફેલાવી રહ્યું છે. આ સાથે જ સીએમ એકનાથ શિંદેએ એમ પણ કહ્યું કે તેઓ 2024માં પણ સીએમ રહેશે. ગઇકાલની એ બેઠમાં શિંદેએ તેમના સમર્થક ધારાસભ્યોને આ ખાતરી આપી હતી અને સાથે જ કહ્યું હતું કે સમર્થકોએ તેમના રાજીનામાના સમાચાર પર વધુ ધ્યાન ન આપવું જોઈએ.
એકનાથ શિંદેએ રાજીનામા અંગેની તમામ અટકળો ફગાવી
વાત એમજ છે કે અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા બાદ એવી અટકળો સાથે બજાર ગરમ થઈ ગયું હતું કે હવે સીએમ શિંદે રાજીનામું આપી શકે છે. આ રાજીનામા અંગેની તમામ અટકળોને ફગાવતા સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મને ખબર છે કે મારા રાજીનામાના સમાચાર કોણ ફેલાવી રહ્યું છે. સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે તેઓ એ તમામ 50 ધારાસભ્યોને નિરાશ નહીં કરે જેમણે કટોકટી દરમિયાન તેમને ટેકો આપ્યો હતો. જણાવી દઈએ કે બુધવારે મોડી સાંજે સીએમ એકનાથ શિંદેએ તેમના તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો સાથે બેઠક કરી હતી.
વંશવાદ માટે રાજનીતિમાં કોઈ સ્થાન નથી – એકનાથ શિંદે
અજિત પવાર જૂથની સરકારમાં સામેલ થવા પર સીએમ શિંદેએ કહ્યું કે તમારામાંથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેઓ હજુ પણ મુખ્યમંત્રી છે અને સરકાર પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. તેમણે કહ્યું કે તેમની સરકારમાં જોડાવું માત્ર એક રાજકીય ગોઠવણ છે. આ ગોઠવણ શરદ પવાર કે ઉદ્ધવ ઠાકરે વિના છે. તેથી જ હવે વંશવાદ માટે રાજનીતિમાં કોઈ સ્થાન નથી. બેઠક દરમિયાન સીએમ શિંદેએ દરેકને સંગઠનને વધુ મજબૂત કરવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે તેમના ધારાસભ્યોમાં કોઈ નારાજગી નથી અને આવા તમામ અહેવાલો ખોટા છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે આવતા વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સીએમ શિંદેના નેતૃત્વમાં જ લડવામાં આવશે.