ભારત

રાજસ્થાનના નેતાઓની કોંગ્રેસ મોવડીમંડળ સાથે બેઠક, વેણુગોપાલે કહ્યું – સપ્ટેમ્બરમાં ઉમેદવારોની જાહેરાત

લોકસભાની ચૂંટણી પહેલા આ વર્ષે જુદા જુદા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે

લોકસભાની ચૂંટણી પહેલા આ વર્ષે જુદા જુદા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. પીએમ મોદી સતત રાજસ્થાનની મુલાકાત લઈને પોતાની તરફેણમાં વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ શાસક પક્ષ કોંગ્રેસ પણ વિવિધ પ્રયાસોમાં લાગેલી છે. કોંગ્રેસે ગેહલોત અને પાયલોટ વચ્ચે ચાલી રહેલી લડાઈને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં, બંને નેતાઓ પાર્ટી અધ્યક્ષ ખડગેને અલગ-અલગ મળ્યા હતા અને સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોની જાહેરાત

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં આજે રાજસ્થાન કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. ચૂંટણી અને ગેહલોત-પાયલોટ વિવાદની રણનીતિને લઈને દિલ્હી AICC મુખ્યાલયમાં મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીની વ્યૂહનીતિ, સંભવિત ઉમેદવારોના નામો અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હોવાનું મનાય છે. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કેસી વેણુગોપાલે કહ્યું કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોની પસંદગી અને જાહેરાત કરવામાં આવશે.

જીતવાની ક્ષમતા પર ઉમેદવારોની પસંદગી

બેઠક બાદ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઉમેદવારોની પસંદગી તેમની જીતની ક્ષમતાના આધારે કરવામાં આવશે. અમે ઘણાં સર્વે કરાવી રહ્યા છીએ અને ઉમેદવારોની પસંદગી તેમની જીતવાની સંભાવનાના આધારે જ કરવામાં આવશે. કેસી વેણુગોપાલે ઉમેર્યું કે અમે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોની પસંદગી અને જાહેરાત કરીશું.

ખડગેનું ટ્વીટ – આ વખતે ઈતિહાસ બદલાશે

બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને કહ્યું, જનસેવા, રાહત અને સૌનું કલ્યાણ, પ્રગતિના પંથે આગળ વધતું રાજસ્થાન. કોંગ્રેસ પાર્ટીએ સર્વસમાવેશક વિકાસ અને લોક કલ્યાણની યોજનાઓ રાજસ્થાનના ઘેર ઘેર પહોંચાડી છે. કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીમાં એક થઈને જનતાની વચ્ચે જશે. રાજસ્થાનમાં ખેડૂતો, ખેતમજૂરો, યુવાનો, મહિલાઓ અને સમાજનો દરેક વર્ગ કોંગ્રેસ પાર્ટીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે. અમે સૌની આકાંક્ષાઓનું ધ્યાન રાખીશું. રાજસ્થાનનું વર્તમાન અને ભવિષ્ય બંને કોંગ્રેસના હાથમાં સલામત છે. આ વખતે ઈતિહાસ બદલાશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button