ગુજરાત

ભાજપ મોવડીમંડળે ઘણું હોમવર્ક કરીને નવા ચહેરા પસંદ કર્યા

રાજયસભાના બે ઉમેદવારની પસંદગી પાછળ ભાજપનું 2024 ગણિત

રાજયસભામાં સૌરાષ્ટ્રનો કવોટા ફુલ છે તેથી 2024માં નિવૃત થતા બે સાંસદોમાંથી એક ‘કપાશે’ તે નિશ્ર્ચિત

માલધારી-રબારી તથા ક્ષત્રિય સમાજને ખુશ કરતો ભાજપ: વિધાનસભા ચૂુંટણીમાં તેમના આગેવાનોને ટિકીટો ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી

ક્ષત્રિય સમાજમાંથી પ્રદીપસિંહ જાડેજા, હકુભા જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા સીનીયર આગેવાનોને ટિકીટ ન મળી હતી

હાલમાં જ વધુ એક માલધારી સમાજના આગેવાન ગોવાભાઈ રબારી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા અને તરત જ ડીસા યાર્ડના ચેરમેન બનાવાયા હતા: લોકસભા ચૂંટણી પુર્વે એક પછી એક જ્ઞાતિ સમીકરણો સુધારતું ભાજપ

ગુજરાતમાં ભાજપ માટે સલામત ગણાતી તમામ 26 લોકસભા બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગેમપ્લાન મુજબ તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતો જીતવાના નિશ્ર્ચિત કરેલા લક્ષ્યાંકને પાર પાડવા જે રીતે કોંગ્રેસના મજબૂત ગણાતા ક્ષેત્રોમાં કાંગરા ખેરવવાનો પ્રારંભ કર્યો છે તથા સામાજીક રીતે પણ જ્ઞાતિ-જાતિના સમીકરણો વધુ ટાઈટ કરવાની પ્રક્રિયા પ્રારંભ કરી છે તેના ભાગરૂપે જ આજે રાજયસભાની બે બેઠકોના ઉમેદવાર જાહેર થયા હોવાનું પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. વાંકાનેરના યુવા રાજવી અને ક્ષત્રિય પરિવારના કેશરીદેવસિંહ ઝાલાની પસંદગીમાં ભાજપમાં પણ આશ્ચર્ય છે.

સૌરાષ્ટ્રનો રાજયસભાનો કવોટા ફુલ હોવા છતા પણ વધુ એક બેઠક પર સૌરાષ્ટ્રમાંથી ઉમેદવાર પસંદ થયા તેની 2024માં સૌરાષ્ટ્રમાં જે બે બેઠકો ખાલી થઈ રહી છે તેમાં બે કેન્દ્રીય મંત્રીઓ શ્રી પુરુષોતમ રૂપાલા તથા શ્રી મનસુખ માંડવીયા માટે રીપીટ થવાનું હવે મુશ્કેલ હોવાના પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં શ્રી માંડવીયાને લોકસભા બેઠક પર ચુંટણી લડાવી શકાય છે.

તો બીજી બાજુ ક્ષત્રિય સમુદાયના યુવા ચહેરા તરીકે કેશરીદેવસિંહજીની પસંદગીથી ભાજપે છેલ્લી બે ટર્મમાં તમો વાંકાનેર ધારાસભા ચૂંટણીમાં ટિકીટના દાવેદાર હતા અને જે ત્રણ નામોની પેનલ બન્ને ચૂંટણી સમયે બની હતી તેમાં પણ તેઓનું નામ હતું પણ તેમને ટિકીટ ના મળી છતા પણ તેઓએ જીલ્લા કક્ષાએ ભાજપને મજબૂત કરવાનું નિશ્ર્ચિત કરીને 2022માં કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવામાં ભૂમિકા ભજવી હતી.

શક્તિસિંહ ઈફેકટ!
કોંગ્રેસ પક્ષે હાલમાંજ પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલને નિયુક્ત કર્યા બાદ ભાજપ પાસે મજબૂત ક્ષત્રિય ચહેરા જરૂરી હતો. અગાઉ પ્રદીપસિંહ જાડેજા, આઈ.કે.જાડેજા સહિતના નેતાઓ બાદની બીજી કેડર સર્જયાના ભાગરૂપે કેશરીદેવસિંહ ઝાલાને પ્રોજેકટ કરાયા હોય તે પણ સૂચક છે અને શક્તિસિંહ ઈફેકટ સામે હવે ક્ષત્રિય-રાજવી પરિવારોમાં કેશરીસિંહને આગળ ધરાશે.

બાબુભાઈ દેસાઈ
રાજયસભાના બીજા ઉમેદવાર તરીકે ભાજપે કાંકરેજના પુર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈને ઉમેદવાર બનાવીને ખાસ કરીને ભાજપ માટે ગત વિધાનસભા ચૂંટણીમાં નબળી કડી સાબીત થયેલા પાટણ લોકસભા બેઠક પર પક્ષની સ્થિતિ મજબૂત બનાવવા પ્રયાસ કર્યા છે. બાબુભાઈ દેસાઈ માલધારી સમાજમાંથી આવે છે. ગત ચૂંટણીમાં ભાજપે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય અને ઉતર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા સહિતના જીલ્લામાં માલધારી સમાજને અન્યાય કર્યો હોવાની લાગણી હતી તો 2022માં જે રીતે ભાજપે 156 બેઠકો મળી પણ પાટણ જીલ્લામાં ભાજપ-કોંગ્રેસ સાથે ફીફટી-ફીફટી જેવી સ્થિતિ બની હતી.

જીલ્લાની સાત ધારાસભા બેઠકમાં કોંગ્રેસે 4 બેઠક જીતી હતી અને ત્રણ બેઠકો ભાજપને મળી હતી. હવે લોકસભામાં પક્ષને તે સ્થિતિ નડે નહી તે જોવા માટે અને ખાસ કરીને ભાજપના માલધારી સમાજના રાજુલબેન દેસાઈ પરાજીત થયા હતા અને તેથી ભાજપ માટે પાટણ બેઠક બચાવવા પુર્વ ધારાસભ્ય તથા માલધારી સમાજના અગ્રણી બાબુભાઈ દેસાઈને પસંદ કરાયા છે. ભાજપે આ ક્ષેત્રમાં માલધારી સમાજને સાથે લેવા હાલમાંજ કોંગ્રેસના 35 વર્ષના જૂના અગ્રણી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને માલધારી સમાજ પર વર્ચસ્વ ધરાવતા ગોવાભાઈ રબારીને ભાજપમાં જોડીને તેમને સીધા ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બનાવી દીધા.

આ યાર્ડ પર ભાજપનું વર્ચસ્વ છે છતાં પણ કોંગ્રેસમાંથી આવેલા ગોવાભાઈને રાતોરાત ચેરમેન બનાવીને આ માલધારી સમાજમાં ભાજપને ફરી મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આમ 2024ની તૈયારી રૂપે ભાજપે જે રીતે કોંગ્રેસને નબળી પાડી ભાજપને મજબૂત કરવાનો ખેલ 2017ની ચૂંટણી પછી ચાલુ કર્યા છે તે હવે આગળ ધપ્યો છે.

સૌરાષ્ટ્રમાંથી રાજયસભામાં જનાર પ્રથમ રાજવી બનતા કેશરીદેવસિંહજી
વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહજીની રાજયસભા માટે પસંદગી થતા રાજવી પરિવારોમાં હર્ષનું વાતાવરણ છે. તેઓ સૌરાષ્ટ્રમાંથી રાજયસભામાં જનાર પ્રથમ રાજવી બની ગયા છે. તેમના પિતા અગાઉ લોકસભામાં ચુંટાયા હતા.

કેસરીદેવસિંહના પિતા દિગ્વીજયસિંહજી દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી રહી ચૂકયા છે
તેઓ બે વખત ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે અને બે વખત સુરેન્દ્રનગરના સાંસદ તરીકે પણ ચુંટાયા હતા
ગુજરાતમાંથી રાજયસભાની એક બેઠક માટે ભારતીય જનતા પક્ષે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહજીની પસંદગી કરીને આશ્ર્ચર્ય સર્જયુ છે તેમના પિતા સ્વ.ડો.દિગ્વીજયસિંહજી ઝાલા ઈન્દીરા ગાંધીના મંત્રીમંડળમાં 1982 થી1984 સુધી પર્યાવરણ અને નાણા રાજયમંત્રી તરીકે કાર્ય કર્યુ છે અને તેઓ દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી બન્યા હતા. તેઓ 1965થી1972 સુધી બે ટર્મ માટે વિધાનસભાના સભ્ય પણ રહી ચૂકયા છે અને 1980થી1989 સુધી તેઓ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચુંટાયા હતા.

કેશરીદેવસિંહ ક્ષત્રિય સમાજનો નવો ચહેરો: શક્તિસિંહ ફેકટર કાઉન્ટર કરવા પ્રયાસ
► ભાજપે વાંકાનેરના યુવા રાજવી અને ક્ષત્રિય સમાજના કેશરીદેવસિંહની રાજયસભામાં પસંદગી કરી સૌને ચોકવાયા છે. તેઓ ધારાસભા માટે અગાઉ દાવેદાર હતા.
► ગુજરાતમાં કોંગ્રેસ પક્ષે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની પસંદગી કરતા ભાજપ ને તેમાં ક્ષત્રિય સમાજમાં એ સંદેશો આપવો હતો કે જે સમજ ભાજપ પાસે રહે છે. તેને પક્ષ ચોકકસ કદર કરે છે તેથી મૂળ કોંગ્રેસ પરિવારના અને ભાજપ સાથે જોડાયા બાદ પ્રતિબદ્ધતાથી કામ કરનાર કેશરીદેવસિંહજીને રાજયસભા માટે પસંદ કરાયા છે.
► 2017/2022માં ભાજપના વાંકાનેર બેઠકની પેનલમાં તેમનું નામ હતું પણ ટિકીટ મળી ન હતી.
► તેઓ ભાજપની જે નવી કેડર છે તેમાં સામેલ થશે.

બાબુભાઈ દેસાઈ: પાટણ લોકસભા બેઠકની નબળાઈ દૂર કરવા માલધારી સમાજમાં ‘કમળ’ને ખીલવવા માટે પસંદગી
► ભાજપે કાંકરેજના પુર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈની પસંદગી કરી 2022ની ધારાસભા ચૂંટણીમાં જે રીતે પાટણ લોકસભા બેઠક હેઠળની 7 વિધાનસભા બેઠકોમાં ચાર કોંગ્રેસ જીતી ગઈ તેથી અહી માલધારી સમાજમાં વર્ચસ્વ વધારવા કાંકરેજના પુર્વ ધારાસભ્યને પસંદ કર્યા.
► હાલમાં જ માલધારી સમાજના ગોવાભાઈ રબારીની ભાજપમાં એન્ટ્રી સીધા ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બનાવી દેવાયા.
► ભાજપના માલધારી ઉમેદવાર રાજલબેન દેસાઈનો ધારાસભામાં પરાજય પક્ષને માટે મોટો આંચકો હતો.

વાંકાનેરને બીજી વખત રાજયસભામાં પ્રતિનિધિત્વ
એક તબકકે રાજકોટ સંસદીય મતવિસ્તાર અને બાદમાં સુરેન્દ્રનગર મતવિસ્તારમાં સામેલ વાંકાનેરને બીજી વખત રાજયસભામાં પ્રતિનિધિત્વ મળ્યું છે. હાલમાં જ દિવંગત થયેલા ભારતીય જનતાપક્ષના અગ્રણી શ્રી લલીતભાઈ મહેતા અગાઉ 1995માં એક ટર્મ માટે રાજયસભામાં સભ્ય તરીકે કામગીરી કરી ચૂકયા છે અને હાલમાં જ તા.8 જુલાઈના તેમનું નિધન થયું હતું.

વાંકાનેર રાજમહેલમા નરેન્દ્ર મોદીને કેસરીદેવસિંહજીએ આમંત્રીત કર્યા હતા
મુળ કોંગ્રેસી પરિવારના કેસરીદેવસિંહજીનું ભાજપમાં આકર્ષણ તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કારણે સર્જાયુ હતું. 2011માં તેઓએ તત્કાલીન મુખ્યમંત્રીને વાંકાનેર રાજમહેલ ખાતે આમંત્રીત કરીને તેઓ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે તે નિશ્ર્ચિત કર્યુ હતું અને બાદમાં જીલ્લા ભાજપમાં મહત્વની જવાબદારી પણ વહન કરી છે અને ખાસ કરીને વાંકાનેર ધારાસભા બેઠક કે જે ભાજપ માટે જીતવી ટફ હતી પણ 2022ની ચુંટણીમાં ભાજપે સરળતાથી કોંગ્રેસના સીટીંગ ધારાસભ્યોને પરાજીત કરીને આ બેઠક જીતી તેમાં કેસરીદેવસિંહજીનો મહત્વનો ફાળો હતો.

વાંકાનેર રાજવી પરિવારમાં રાજકીય ઈતિહાસ પણ અજોડ છે
કેશરીસિંહજીના દાદા-પિતા-કાકા-મામા પણ ધારાસભ્ય/સાંસદ રહી ચુકયા છે
આજે ભાજપના રાજયસભાના સભ્ય તરીકે પસંદ થયેલા વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહને પરિવારનો રાજકીય વારસો મળ્યો છે અને આઝાદીકાળથી તેમનો પરિવાર રાજકીય રીતે દેશ અને ગુજરાતની સેવા કરવામાં અગ્રસ્થાને રહ્યો છે.

સ્વ.પ્રતાપસિંહ ઝાલા
દેશના આઝાદી બાદ પ્રથમ વિધાનસભામાં વાંકાનેરના પ્રથમ ધારાસભ્ય કેશરીદેવસિંહના દાદા પ્રતાપસિંહજી બાપુ સને 1952 થી 1957 સુધી બિનહરીફ હતા અને આ સમય દરમ્યાન વાંકાનેરમાં અનેક વિકાસલક્ષી કાર્યો કરેલા.

સ્વ. ડો.દિગ્વીજયસિંહજી ઝાલા
કેશરીદેવસિંહજી પિતા સ્વ. દિગ્વીજયસિંહ બાપુ સને 1979 થી 1989 સુધી બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકયા છે, તેમજ સને 1979 થી 1989 સુધી બે ટર્મ ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી રહીને પર્યાવરણની મહત્વતા દેશને સમજાવી છે. તેમજ સ્વ.દિગ્વીજયસિંહ ઝાલાએ આખા ભારતમાં રાજપૂતોની મહત્વની અને ગૌરવવંતી ગણાય તેવી સંસ્થા અખીલ ભારતીય ક્ષત્રીય મહાસભાના વર્ષો સુધી પ્રમુખ તરીકે રહીને અનેક સામાજીક પ્રવૃતિઓ કરેલી.

જનકસિંહજી ઝાલા (કાકા)
કેશરીદેવસિંહજી ઝાલાના કાકા જનકસિંહ ઝાલા પણ સને 1975થી 1980 સુધી વાંકાનેરના ધારાસભ્ય રહી ચૂકયા છે.

શ્રી અજયસિંઘ(મામા)
કેશરીદેવસિંહજી ઝાલાના સગા મામા શ્રી અજયસિંઘ, વી.પી.સિંઘજીની સરકારમાં રેલ્વે મંત્રી રહી ચૂકયા છે તેમજ 1989માં આગ્રાના સાંસદ સભ્ય રહી ચૂકયા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button