ભાવનગરના બુધેલ ગામના તલાટી મંત્રી સામે કાર્યવાહી .મેરેજ સર્ટિફિકેટ માટે 4 હજાર રૂપિયાની લીધી લાંચ
નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગરના બુધેલ ગામના તલાટી મંત્રીનો લાંચ લેતો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પંચાયત કચેરી દ્વારા તલાટી મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તલાટીને સસ્પેન્ડ કરાયાના સમાચાર આવતાની સાથે જ ગ્રામજનોએ ગામમાં ફટાકડા ફોડ્યા હતા અને મીઠાઈ પણ વહેંચી હતી. આ તકે ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
મેરેજ સર્ટિફિકેટ માટે તલાટીએ માંગી હતી લાંચ
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના બુધેલ ગામે રહેતા હારીતભાઈ જોશીની દીકરી પ્રેક્ષા જોશીના લગ્ન આલાપ ત્રિવેદી સાથે નવેમ્બર 2022માં થયા હતા. જે બાદ હારીતભાઈએ દીકરીના મેરેજ સર્ટિફિકેટ માટે અનેકવાર તલાટી મંત્રી પાસે ધક્કા ખાધા બાદ વકીલ રાજેશ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. જેથી રાજેશભાઈએ બુધેલ ગામના તલાટી મંત્રી જયેશ ડાભીને મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવા જણાવ્યું હતું. આ દરમિયાન તલાટી મંત્રી જયેશ ડાભીએ વકીલને વર, કન્યા, સાક્ષીઓ, ગોરમહારાજ વગેરેને રૂબરૂ ઉપસ્થિત રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે અને તેમ ન કરવું હોય તો નાણાકીય વ્યવહારની વાત કરી હતી. જેથી વકીલ રાજેશ ભટ્ટે તલાટી મંત્રી જયેશ ડાભીને પૈસા લેવા માટે ભાવનગર કોર્ટની બહાર બોલાવ્યા હતા. આ દરમિયાન વકીલે તલાટી મંત્રીને રૂપિયા 4000 આપતો વીડિયો ઉતારી લીધો હતો. ધક્કા ખવડાવ્યા બાદ 4 હજારની લાંચ મળતા તલાટી મંત્રીએ મેરેજ સર્ટિફિકેટ કાઢી આપ્યું હતું. જે બાદ વકીલ રાજેશ ભટ્ટે લાંચ આપતો વીડિયો વાયરલ કર્યો હતો.