મણીપુર ઘટના પર ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ સંસદમાં હંગામો: મુલત્વી
રાજય સરકાર સામે કાર્યવાહીની માંગ

મણીપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવા અને બાદમાં ગેંગરેપની ઘટના પર સમગ્ર દેશમાં આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે તે સમયે આજથી શરુ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં પણ પ્રથમ દિવસે મણીપુર મામલે રાજયસભા અને લોકસભા બંનેમાં જબરી ધમાલ મચી હતી અને બંને ગૃહો મુલત્વી રહ્યા હતા.
વિપક્ષો અગાઉથી જ મણીપુર હિંસાને મુદે સરકારને ભીડવવાની રણનીતિ સાથે આવ્યા હતા અને તેમાં આ વિડીયો વાયરલ થતા જ સરકાર અને વિપક્ષ વચ્ચેનો તનાવ વધી ગયો હતો અને બંને ગૃહોના પ્રારંભ સાથે જ શા માટે સરકાર મણીપુર મુદે આટલી મૌન છે.
રાજય સરકારને કેમ બરતરફ કરતી નથી તેવી માંગણી કરીને રાજયસભા અને લોકસભામાં ધમાલ મચાવી દીધી હતી અને તેમાં વડાપ્રધાન લાંબા સમયથી મણીપુર મામલે મૌન છે તે મુદો પણ ઉઠાવ્યો હતો.
સંસદના ચોમાસુ સત્રમાં દિલ્હી વટહુકમ સહિતના અનેક ખરડાઓ ચર્ચા પર છે તે સમયે જ મણીપુરની ઘટનાએ હવે બંને ગૃહોને હાઈજેક કરી લીધા છે અને હવે સરકાર તેને કઈ રીતે તેમાં આગળ વધે છે તેના પર સૌની નજર છે.
મણીપુર સરકાર એકશનમાં: એકની ધરપકડ
આરોપીઓ સામે કોર્ટમાં મૃત્યુદંડની માંગણી કરાશે: મુખ્યમંત્રી
મણીપુરમાં બનેલી ઘટનામાં વિડીયો વાયરલ થયા બાદ રાજય સરકાર એકશનમાં આવી છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાજયના મુખ્યમંત્રી એન.બિરેનસિંહએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિડીયો બહાર આવ્યા બાદ તુર્તજ પગલા લેવાયા છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને અન્યોને પણ ઝડપી લેવાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કડક કાનુની કાર્યવાહી કરવામાં આવશે અને અદાલત સમક્ષ અમે આરોપીઓને મૃત્યુદંડની સજા આપવા માંગણી કરશું.
મણીપુર વિડીયો વાયરલ ન કરવા સરકારની તાકીદ: ટવીટર સામે પગલા લેવાશે
સરકારે આજે મણીપુરમાં જે બે મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવાયા અને ગેંગરેપ થયો તે વિડીયો વાયરલ ન કરવા સરકારે તમામને ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે વિડીયો વાયરલ કરનાર સામે પગલા લેવાશે તો બીજી તરફ ટવીટર પર હજુ પણ આ વિડીયો હટાવાયો નથી તેથી હવે સરકારે ટવીટરની સામે પણ પગલા લેવાની તૈયારી કરી છે.