40 કિમી ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને દરિયો ન ખેડવા સુચના, હવામાન વિભાગ કહ્યું આ જિલ્લાઓમાં 4 દિવસ મેઘાડંબર, જાણી લો આગાહી
ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો છે

ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો છે. ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર સહિતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આજે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. આપને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં સીઝનનો 65 ટકા ઉપર વરસાદ નોંધાય ચૂક્યો છે.
અંબાલાલની શું આગાહી?
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આગામી 27થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે. સાથે જ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે.
કુલ 61.20 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 61.20 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 55.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.
રાજ્યમાં કુલ 85.97 લાખ હેક્ટર વાવેતર
છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85.97 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 71.31 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ 25.39 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું 23.11 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
મગફળી પાકનું પણ 15.84 લાખ હેક્ટરમાં વાવેતર
કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 19.18 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 17.87 લાખ હેક્ટર હતું.રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. રાજ્યમાં આ વર્ષે મગફળી પાકનું પણ 15.84 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે.